કપરા સંજોગો અને ખરાબ હેલ્થ વચ્ચે રેકૉર્ડબ્રેક દેખાવ

20 June, 2022 09:46 AM IST  |  Mumbai | Rohit Parikh

ગિરગામમાં આવેલી સંસ્કાર ઍકૅડેમીનો સાત વર્ષનો રેકૉર્ડ બ્રેક કરીને વંશ ચૌહાણ બન્યો સ્કૂલનો ટૉપર. તેને રોબોટિક્સ એન્જિનિયર બનવું છે

વંશ વિપુલ ચૌહાણ

સાઉથ મુંબઈના ચીરાબજારની ૮x૧૧ની સિંગલ રૂમમાં સૂવા માટે બનાવેલા માળિયામાં બેસીને અને પરીક્ષાના એક મહિના પહેલાં શરૂ થયેલા પેટના દુખાવા અને ઊલટીઓની ફરિયાદ હોવા છતાં મનોબળ મક્કમ કરીને વંશ વિપુલ ચૌહાણે દસમાની પરીક્ષા આપી હતી. આમ છતાં વંશ પરીક્ષામાં ૯૭.૨૦ ટકા માર્ક્સ લાવવામાં સફળ રહ્યો હતો. આ માર્ક્સ સાથે વંશે ગિરગામમાં આવેલી સંસ્કાર ઍકૅડેમીનો સાત વર્ષનો રેકૉર્ડ બ્રેક કરીને સ્કૂલનો ટૉપર બન્યો હતો. વંશે ભવિષ્યમાં રોબોટિક એન્જિનિયર બની નાસામાં જૉબ મેળવીને દેશની સેવા કરવી છે.

દસમા ધોરણનું જે દિવસે પરિણામ જાહેર થયું એ દિવસે અમને વંશનું રિઝલ્ટ જોવાની કોઈ જ ઉતાવળ નહોતી, કારણ કે અમને તે ૯૭.૨૦ ટકા માર્ક્સ લાવીને સ્કૂલનો ટૉપર બનશે એવી કોઈ જ આશા નહોતી એમ જણાવતાં વંશની કૉમર્સ ગ્રૅજ્યુએટ મમ્મી કોમલ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વંશની પરીક્ષા પહેલાંથી તબિયત બગડી હતી. પરીક્ષાના સમયે વંશ બીમાર હોવાથી અને છેલ્લી પરીક્ષા સુધી તેને ઊલટીઓ થતી હોવાથી શારીરિક નબળાઈ આવી ગઈ હતી. અમે તેને પરીક્ષા ન આપવી હોય તો કોઈ જ પ્રૉબ્લેમ નથી એમ કહ્યા છતાં તેના વિલપાવરને લીધે તેણે 
પરીક્ષા આપી હતી. જોકે અમને વંશ ૯૭.૨૦ ટકા માર્ક્સ લાવીને સ્કૂલનો સાત વર્ષનો રેકૉર્ડ તોડશે એવી કોઈ આશા નહોતી. આથી અમે રિઝલ્ટ જોવાની ઉતાવળ કરી નહોતી. જોકે અમને જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ તરફથી વંશ ૯૭.૨૦ ટકા માર્ક્સ સાથે સ્કૂલનો ટૉપર બન્યાની જાણકારી મળી ત્યારે વંશ થોડી વાર માટે તો સૂમ થઈ ગયો હતો. તેના માટે પરિણામ આશ્ચર્યજનક હતું.’

કોમલ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે ‘અમે વંશને કહેતા હતા કે હેલ્થ પહેલાં, પછી સ્ટડી કરજે. જોકે તેનું મનોબળ જોરદાર હતું. તે પહેલી પરીક્ષા આપવા ગયો એ પહેલાં તેને ઊલટી થઈ હતી, પરંતુ તે હિંમત રાખીને પરીક્ષા આપતો ગયો હતો. છેલ્લી પરીક્ષા સુધી તેની તબિયત નાજુક જ રહી હતી. આ સંજોગોમાં પણ તેણે પરીક્ષા તો આપી, પણ ૯૭.૨૦ ટકા માર્ક્સ સાથે તેની સ્કૂલનો સાત વર્ષનો રેકૉર્ડ પણ બ્રેક કર્યો છે.’

mumbai mumbai news 10th result rohit parikh