28 May, 2026 07:11 AM IST | Mumbai | Mehul Jethva
કિરીટ સોમૈયાએ સાગર પાર્કની મુલાકાત લીધી હતી. બકરા રાખવામાં આવ્યા હતા એ જગ્યા.
સાગર પાર્કમાં ૪૦ કરતાં વધારે બકરા લાવવા વિશે ભારે હોબાળો, BMCએ મોટા ભાગના પોતાના તાબામાં લીધા
બકરી ઈદના તહેવાર પહેલાં ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરના સાગર પાર્કમાં મુસ્લિમ સભ્યો દ્વારા કુરબાની માટે ૪૦થી વધુ બકરા લાવવામાં આવતાં સોસાયટીના અન્ય સભ્યોએ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હિન્દુ અને મુસ્લિમ સભ્યો વચ્ચે આ બાબતે તીખી દલીલો થતાં મામલો ગરમાયો હતો અને સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ વિવાદે ટૂંક સમયમાં જ રાજકીય રંગ પકડી લીધો હતો.
ગઈ કાલે સવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ સાગર પાર્કની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે BMC અને પોલીસ પ્રશાસનને તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યાર બાદ સફાળી જાગેલી BMCએ સોસાયટીમાંથી આશરે ૨૩ બકરાને પોતાના તાબામાં લીધા હતા. આ ઉપરાંત અહીં એક પણ બકરાની કુરબાની ન થાય એ માટે કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દસ્તાવેજોમાં ચેડાં
સાગર પાર્કના એક રહેવાસી હીરજી છેડાએ આ વિશે વિરોધી સૂર વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીમાં ૬૫ ટકા હિન્દુ (મરાઠી અને ગુજરાતી), પાંચ ટકા ખ્રિસ્તી અને ૩૦ ટકા મુસ્લિમ વસ્તી છે. વર્ષો પહેલાં કમિટીના અમુક સભ્યોએ દસ્તાવેજોમાં ચેડાં કરીને ગેરકાયદે રીતે કુરબાનીની પરવાનગી મેળવી હતી. આઠ-દસ દિવસ પહેલાં બકરા લાવીને રાત્રે સોસાયટીમાં ફેરવવામાં આવતા હોવાથી અન્ય સભ્યો ભારે ત્રાસ ભોગવતા હતા. આ વર્ષે પણ આઠથી ૧૦ દિવસ પહેલાં આશરે ચાલીસથી પચાસ બકરા અમારી સોસાયટીમાં લાવવામાં આવ્યા હતા અને આ તમામ બકરાઓને સોસાયટીની F વિંગ નીચે આવેલાં ત્રણ ગૅરેજમાં શેડ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. હાલમાં BMC અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા ભાગના બકરા ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે અને સોસાયટીમાં એક પણ બકરાની કુરબાની ન અપાય એ માટે યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે.’
આ વર્ષે કુરબાની નહીં અપાય
બીજી તરફ સાગર પાર્કની F, G અને H વિંગના ચૅરમૅન મોઇનુદ્દીન ચૌધરીએ પત્રકારો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘૧૯૯૭માં ફ્લૅટ ખરીદ્યા ત્યારથી જ બિલ્ડર સાથે આ ધાર્મિક વિધિ અંગે સહમતી થઈ હતી. ૨૦૦૧માં સોસાયટી બન્યા બાદ ૨૦૦૯ની AGMમાં પણ અહીં કુરબાની આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ થયો હતો અને ત્યારથી દર વર્ષે આ પરંપરા ચાલી આવે છે. આ વર્ષે પણ જરૂરી પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ મંગળવારે રાત્રે એ કૅન્સલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સોસાયટીના સભ્યોની મળેલી બેઠકમાં આ વર્ષે સોસાયટીના પરિસરમાં કુરબાની ન આપવાનો નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો છે.’
સોસાયટીમાં કુરબાની થઈ તો પોલીસ અને BMCના અધિકારીની પણ કુરબાની થશે : કિરીટ સોમૈયા
BJPના નેતા કિરીટ સોમૈયાએ સાગર પાર્ક સોસાયટીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે BMC અને પોલીસ પ્રશાસનને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘સોસાયટીમાં રાખવામાં આવેલા બકરાઓમાંથી મોટા ભાગના બકરાને BMCએ પોતાના કબજામાં લઈ લીધા છે. આ સોસાયટીમાં કુરબાની થવા દેવાશે નહીં. કાયદો-વ્યવસ્થા જાળવવાં એ પોલીસની જવાબદારી છે. કુરબાની થવી જોઈએ પણ BMCએ જે જગ્યા પર વ્યવસ્થા કરી છે ત્યાં જ કુરબાની થાય એવી અહીં રહેતા સભ્યો અને અમારી માગણી છે. જો આજે અહીં કુરબાની આપવામાં આવી તો અહીંના સ્થાનિક પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી અને BMCના સિનિયર અધિકારીની પણ કુરબાની થશે એટલે કે તેમના પર કાર્યવાહી થતાં તેઓ પોતાના ઘરે જશે.’