08 June, 2026 07:48 AM IST | Mumbai | Rohit Parikh
ખાઉગલ્લી
મુંબઈ અને ઉપનગરોમાં અનેક વિસ્તારોમાં ખાઉગલી બની ગઈ છે. સ્વાદરસિયાઓને આ ખાઉગલી વરદાનરૂપ લાગે છે, પણ સ્થાનિક રહેવાસીઓ માટે એ ત્રાસરૂપ બની ગઈ છે. તેમની સતત ફરિયાદ પછી પણ મુંબઈ મહાનગરપાલિકા આ દૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. આવી જ હાલત ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનના રહેવાસીઓની છે. આ રહેવાસીઓ ઘણાં વર્ષોથી સ્થાનિક નગરસેવકો, વિધાનસભ્યો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને ખાઉગલીનું દૂષણ હટાવવા માટે ફરિયાદ કરીને લડી રહ્યા છે પણ તેમની ફરિયાદ બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. આથી હવે તેમણે ખાઉગલીના ફૂડ, એને લીધે ફેલાતી ગંદકી જેવા મુદ્દાઓ સાથે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) ના મહારાષ્ટ્રના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવેલા વરિષ્ઠ IAS અધિકારી તુકારામ મુંઢેને ટ્વીટ કરીને ઘાટકોપરની ખાઉગલી પર દરોડા પાડીને તપાસ કરવાની વિનંતી કરી છે.
ઘાટકોપર-ઈસ્ટની ખાઉગલીના વિક્રેતાઓ સામે ઍક્શન લેવા સ્થાનિક રહેવાસીઓએ FDAના કમિશનર તુકારામ મુંઢેને કરેલાં ટ્વીટ.
આ ફરિયાદને ટ્વીટ કરતાં વલ્લભબાગ લેનના સ્થાનિક રહેવાસીઓ સાહિલ દેસાઈ અને ધવલ છેડાએ ખાઉગલીના વિક્રેતાઓ સંદર્ભમાં તુકારામ મુંઢેને કહ્યું છે કે ‘આ ખાઉગલી ફૂડ ડિપાર્ટમેન્ટના કોઈ પણ પ્રકારના ફૂડ-લાઇસન્સ વગર ફુટપાથ પર ચાલી રહી છે. જે ફૂડ-કલર્સ પર પ્રતિબંધ છે એનો ખાઉગલીમાં વેચાઈ રહેલા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ કરીને લોકોની હેલ્થ સાથે રમત રમવામાં આવી રહી છે. તેમનું કોઈ ફિક્સ સમયપત્રક નથી. તેઓ મોડી રાતના ૧.૩૦ વાગ્યા સુધી તેમના ફૂડ-સ્ટૉલ ચાલુ રાખે છે. એમ કરીને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ બાબતમાં મુંબઈ મહાનગરપાલિકામાં અનેક વાર ફરિયાદ કરવા છતાં દિવસે-દિવસે અમારા વિસ્તારમાં વધી રહેલા ફેરિયાઓ પર કોઈ જ નિયંત્રણ નથી. તેઓ તેમને રોકવામાં નિષ્ફળ ગયા છે. આથી અમારી તમને વિનંતી છે કે ઘાટકોપરના વલ્લભબાગ લેનના ફૂડ-સ્ટૉલો અને ફેરિયાઓ પર ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ રાતના સમયે દરોડા પાડીને એની તપાસ કરે અને તેમને કામ બંધ કરવાની સૂચના આપવામાં આવે.’
સ્થાનિક રહેવાસી અને વલ્લભબાગ લેનના ફેરિયાઓ સામે લડી રહેલા સાહિલ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા વિસ્તારના ખાઉગલીના ફેરિયાઓ સામે ઘણા લાંબા સમયથી લડી રહ્યા છીએ. અમે તેમના વિરોધમાં રસ્તા પર પણ અમારા પરિવાર સાથે ઊતર્યા હતા. આ ફેરિયાઓએ રહેવાસીઓની નીંદર હણી લીધી છે અને આ વિસ્તારમાં ગંદકી પણ ફેલાવી રહ્યા છે. અમારા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ગાર્ડનમાં તેઓ ગેરકાયદે રીતે તેમનો સામાન મૂકે છે અને ત્યાંના પાણીનો જ ઉપયોગ કરે છે. અમને નવાઈ લાગે છે કે મહાનગરપાલિકા તેમને કેવી રીતે મોડે સુધી બિઝનેસ કરવાની પરવાનગી આપે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા ફેરિયાઓને અને સ્થાનિક રહેવાસીઓ માટે ત્રાસરૂપ આ દૂષણને કેમ હટાવવામાં આવતાં નથી.’
આસપાસના વિસ્તારના શાકભાજીવાળાને મહાનગરપાલિકા હટાવી શકે છે તો ખાઉગલીના ફેરિયાઓને અને તેમના સ્ટૉલોને બંધ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતા નથી એમ જણાવીને સાહિલ દેસાઈએ કહ્યું હતું કે ‘આ અગાઉ મેં ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી. તુકારામ મુંઢેએ જ્યારથી આ ડિપાર્ટમેન્ટમાં કમિશનરનો હોદ્દો સંભાળ્યો છે ત્યારથી તેમણે રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક ઉત્પાદકો અને વેપારીઓ પર દરોડા પાડીને ફફડાટ ફેલાવી દીધો છે. આથી અમે હવે અમારા વિસ્તારની ફરિયાદ ટ્વીટ કરીને તેમને ઍક્શન લેવા વિનંતી કરી છે.’
નો નૉન્સેન્સ IAS ઑફિસર તુકારામ મુંઢે પર જ કેમ મદાર?
૨૦૦૫ બૅચના મહારાષ્ટ્ર કૅડરના ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી તુકારામ મુંઢેની છબિ ઈમાનદાર, કડક અને નો નૉન્સેન્સ ઑફિસર તરીકેની છે. કાયદા-નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ તેઓ કોઈ પણ દબાણ વિના કાર્યવાહી કરે છે અને એટલે જ ૨૧ વર્ષની IAS અધિકારી તરીકેની કરીઅરમાં તેમની ૨૪ વખત ટ્રાન્સફર થઈ ચૂકી છે. ‘સિંઘમ’ IAS તરીકે જાણીતા તુકારામ મુંઢે જેવા કામ પ્રત્યે પ્રામાણિક અને સમર્પિત અધિકારી યોગ્ય કાર્યવાહી કરીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે એવો વિશ્વાસ હોવાથી તેમને કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
ચાર્જ લેતાં જ તાબડતોડ કાર્યવાહી
૨૦ મેથી મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેટિવ (FDA) કમિશનર તરીકે પદભાર સંભાળનારા તુકારામ મુંઢેએ આવતાંવેંત સપાટો બોલાવીને રાજ્યમાં ગુટકા અને પાનમસાલા વેચનારા તથા ભેળસેળયુક્ત ફૂડ-આઇટમ્સ બનાવનારા વિરુદ્ધ કાર્યવાહી આરંભી હતી.
શું કાર્યવાહી કરી?
ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં કેમિકલ નાખીને પકવેલી ૩.૪ ટન કેરી પકડી પાડી.
ફૂડ આઇટમ્સ, ખાસ કરીને વડાપાંઉ જેવી તેલયુક્ત આઇટમ્સ છાપામાં બાંધીને આપવા પર પ્રતિબંધ મૂક્યો જેથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય
૨૫ મેથી ૩૧ મે દરમ્યાન આ કાર્યવાહી કરી
૧,૫૮,૨૮,૬૭૭ રૂપિયા જપ્ત
૧૦૨ જણની ધરપકડ
૨૦૩ સ્થળો પર રેઇડ
૮૬ દુકાનો-રેસ્ટોરાં સીલ કરવામાં આવી
કોકણમાં ૪૭ સ્થળે કાર્યવાહી, ૪૬ની ધરપકડ
મુંબઈમાં બાવીસ જગ્યાએ ઑપરેશન હાથ ધરીને ૨૩ની ધરપકડ
નાશિક ડિવિઝનમાં પાંચ જગ્યાએ દરોડા પાડી પાંચ જણની ધરપકડ
છત્રપતિ સંભાજીનગરમાં ૮ ઑપરેશન પાર પાડીને ૮ની ધરપકડ
અમરાવતી ડિવિઝનમાં પાંચ જગ્યાએ કાર્યવાહી કરીને પાંચની ધરપકડ
નાગપુરમાં બે સ્થળે રેઇડ, બેની ધરપકડ