ઘાટકોપરના કેબલ ઑપરેટર સાથે ૫૯.૫૦ લાખની છેતરપિંડી

18 March, 2023 08:31 AM IST  |  Mumbai | Mehul Jethva

ઇન્ટરનેટ સર્વિસના પૈસાના કલેક્શનનું કામ કરતા યુવકે લોકો પાસેથી પૈસા કંપનીમાં જમા ન કરતાં પોતાના બૅન્ક-ખાતામાં કરાવ્યા અને એની રસીદ પણ ન આપી : ગ્રાહકોએ કંપનીમાં ફરિયાદ કરી ત્યારે આખો કિસ્સો બહાર આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : ઘાટકોપરના એક કેબલ ઑપરેટર પાસે છેલ્લાં આઠ વર્ષથી પૈસાના કલેક્શનનું કામ સંભાળતા યુવકે કંપનીના નામે આશરે ૫૯.૫૦ લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી પડાવ્યા હતા, જે પોતાના અકાઉન્ટમાં લીધા હોવાની માહિતી કંપનીને મળતાં વધુ તપાસ હાથ ધરાઈ હતી. એ પછી તેણે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતાં આ ઘટનાની ફરિયાદ એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જોકે આરોપીની હજી સુધી ધરપકડ થઈ નથી.

ઘાટકોપર-ઈસ્ટમાં મહેતા માર્ગ પરની એક સોસાયટીમાં રહેતા અને અંધેરી-ઈસ્ટમાં મેસર્સ રાજેશ ડિજિટલ ઍન્ડ ડેટાકૉમ પ્રાઇવેટ લિમિટેડ નામની ઑફિસ ધરાવતા પરેશ ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર રાજેશ ડિજિટલ અને ડેટાકૉમ મુખ્યત્વે ગ્રાહકોને ઇન્ટરનેટ સર્વિસ આપવાનું કામ કરે છે. તેની અંધેરીની ઑફિસમાં સાત માણસો હતા અને આ તમામને તેમની કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૧૬થી જયદીપ કુંભારની નિમણૂક ગ્રાહકો પાસેથી પૈસા એકઠા કરવા, નવી ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે અને ગ્રાહકોની ફરિયાદો દૂર કરવા માટે કરવામાં આવી હતી. ઑગસ્ટ ૨૦૨૧માં કેટલાક ગ્રાહકોએ કંપનીમાં ફોન કર્યો અને કહ્યું કે અમે તમારી કંપનીના ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને દર મહિને પૈસાની ચુકવણી કરીએ છીએ, પરંતુ તમારી કંપનીમાં કામ કરતા જયદીપ કુંભારે અમને પૈસા ચૂકવ્યાની રસીદ ન આપતાં તેના બૅન્ક-ખાતામાં પૈસા જમા કરાવવાનું કહ્યું હતું અને અમે તેને એ મુજબ ચુકવણી કરી છે. એ પછી અંધેરીની ઑફિસમાં વધુ તપાસ કરવામાં આવતાં આરોપી જયદીપે કેટલીક રસીદો કંપનીમાંથી લીધા પછી ગ્રાહકોને ન આપતાં એ પોતાની પાસે રાખી હતી. એના પરથી છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં જયદીપને તેની બૅન્કનું સ્ટેટમેન્ટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે તેણે આપવાનો ઇનકાર કર્યો હતો. એ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં તેનું સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. એમાં તેણે ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં ૫૯.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી તેની વિરુદ્ધમાં અંધેરી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીષ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ કેસમાં અમે આરોપીને નોટિસ મોકલી છે અને વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં તેની ધરપકડ થઈ નથી.’

mumbai mumbai news ghatkopar