૨૪+ કલાક ટ્રાફિક ખોરવાઈ જાય એ તો હદ કહેવાય

05 February, 2026 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આટલા લાંબા સમય સુધી ટ્રાફિક જૅમની આ કદાચ પહેલી ઘટના હતી

ટૅન્કર પલટી થવાને લીધે સર્જાયેલો ટ્રાફિક જૅમ, સ્થાનિક લોકોએ અને પોલીસે નાસ્તો-પાણીની વ્યવસ્થા કરી હતી. કલાકોથી ભૂખ્યા-તરસ્યા લોકોને પુણે રૂરલ પોલીસે અને લોનાવલા પોલીસે મદદ કરી હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિસ્તારમાં આડોશી ટનલ પાસે મુંબઈ તરફ આવતું જ્વલનશીલ ગૅસ ભરેલું ટૅન્કર પલટી થઈ ગયું એ પછી ચક્કા જૅમ, મુસાફરોની હાલત કફોડી બની અને તંત્રની બેદરકારી છતી થઈ : ગૅસ લીક થતાં મુસાફરોમાં ભય : જૂના હાઇવે પર ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો તો ત્યાં પણ જૅમ : દરદીઓ, મહિલાઓ અને બાળકો કલાકો સુધી ભૂખ્યાં-તરસ્યાં રહ્યાં

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગૅસ-ટૅન્કર પલટી થઈ ગયું હતું. એને કારણે ૨૩ કલાકથી વધુ સમય માટે એક્સપ્રેસવે પર ટ્રાફિક થંભી ગયો હતો. વાહનવ્યવહાર સામાન્ય થતાં લગભગ દોઢ દિવસ જેટલો સમય લાગી ગયો હતો. આટલા લાંબા સમય સુધી ટૅન્કર હટાવી ન શકવાને લોકોએ પ્રશાસનની નિષ્ફળતા ગણાવી હતી. મુંબઈ તરફ જતાં વાહનોની લાંબી કતારો આખી રાત અને દિવસ એ જ સ્થિતિમાં ઊભી હતી. વાહનો બિલકુલ ખસી શકે એમ નહોતાં. બન્ને કૅરેજ-વે પર ભારે ટ્રાફિક જૅમ થયો હતો. ૧૫ કલાક સુધી તો દરદીઓ, મહિલાઓ અને બાળકો સહિત વાહનોમાં ફસાયેલા મુસાફરોને ખોરાક, પાણી કે શૌચાલયની કોઈ સુવિધા મળી નહોતી. ટ્રાફિકને જૂના હાઇવે પર ડાઇવર્ટ કરવામાં આવ્યા બાદ ખોપોલીમાં પણ ૩ કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી.

ઊંધા પડેલા ટૅન્કરમાંથી જ્વલનશીલ પ્રોપિલિન ગૅસનું લીકેજ ચાલુ હોવાથી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL)ની ટીમોને તહેનાત કરવામાં આવી હતી. બુધવારે બપોરે અકસ્માતગ્રસ્ત ટૅન્કરમાંથી ગૅસ ટ્રાન્સફર કરવા માટે બીજું ટૅન્કર ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યું હતું. જ્વલનશીલ હોવાને કારણે નિષ્ણાતોએ ગૅસ-લીકેજના સ્થળથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક બંધ રાખવાનું સૂચન કર્યું હતું જેને લીધે ટ્રાફિકને રોકવાની ફરજ પડી હતી. બીજા ટૅન્કરની વ્યવસ્થા થઈ ત્યાં સુધીમાં પચાસ ટકા ગૅસ લીક થઈ ચૂક્યો હતો.

એક્સપ્રેસવે કન્ટ્રોલ-રૂમના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે પાંચ વાગ્યે હાઇવે પર ગૅસ-ટૅન્કર પલટી ગયું હતું. રાયગડ જિલ્લાની હદમાં આવતી આડોશી ટનલ પાસે સ્પીડમાં જઈ રહેલા ટૅન્કરના ડ્રાઇવરે ઢાળને કારણે કાબૂ ગુમાવ્યો હતો અને ટૅન્કર પલટી ગયું હતું. અકસ્માત પછી તરત જ ટૅન્કરમાંથી ગૅસ લીક ​​થતો જોવા મળ્યો હતો, જેને કારણે રસ્તા પર અટવાઈ ગયેલા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તાત્કાલિક મુંબઈ તરફનો ટ્રાફિક બંધ કરી દીધો હતો. અકસ્માતને કારણે મુંબઈ જતો ટ્રાફિક પુણે જતા કૅરેજ-વે પર વાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો જેના પરિણામે પુણે જતાં વાહનોની પણ લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. એને પગલે મુંબઈ-પુણે જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧૩૯ બસો બુધવારે બંધ રાખવામાં આવી હતી. MSRTCની ૧૬૩ બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.

પોલીસે કેટલાંક વાહનોને જૂના મુંબઈ-પુણે હાઇવે તરફ વાળ્યાં હતાં. પંદરથી ૨૦ મિનિટના બ્લૉક લગાવ્યા પછી વાહનોને ઑપોઝિટ લેનથી મુંબઈ તરફ જવા દેવામાં આવ્યાં હતાં. તામ્હિણી અને માળશેજ ઘાટના રસ્તે જ વાહનો લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. બુધવારે સાંજે ટૅન્કરમાંથી ગૅસ-લીકેજ બંધ થયું અને ટૅન્કર હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. ત્યારે મુંબઈ તરફનો ટ્રાફિક ધીમી ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાને MSRDC પાસે ઘટનાનો અહેવાલ માગ્યો

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આટલા લાંબા સમય સુધી ટ્રાફિક જૅમની આ કદાચ પહેલી ઘટના હતી. આનાથી આવા બનાવો બને ત્યારે તંત્ર કેટલું સજ્જ છે એ સવાલ ઊભો થાય છે. અનેક ફરિયાદોને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) પાસેથી આખા બનાવનો અને લેવામાં આવેલાં પગલાંઓનો વિગતવાર અહેવાલ માગ્યો છે તેમ જ ભવિષ્યમાં આવા અકસ્માતો રોકવા માટેની ભલામણો પણ સૂચવવા જણાવ્યું છે.

લોકોએ સોશ્યલ મીડિયા પર કડવા અનુભવો વર્ણવ્યા

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસના એક કન્ડક્ટરે મંગળવારે મધરાતે જણાવ્યું હતું કે ‘અમારી બસ અકસ્માતના સ્થળ નજીક જ ફસાઈ ગઈ છે. મુસાફરોને કોઈ સુવિધા ન મળતાં કફોડી હાલત બની છે. ૧૦ રૂપિયાની પાણીની બોટલના ૩૦ રૂપિયા લેવામાં આવે છે.’ આ બસ ૧૦ કલાકે પનવેલ પહોંચી હતી.

ઘણા લોકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને નિરાશા વ્યક્ત કરી રહ્યા હતા. કોઈએ એક્સપ્રેસવેને ‘પાર્કિંગ લૉટ’ ગણાવ્યો હતો અને અન્ય લોકોને સલાહ આપી હતી કે જરૂર ન પડે ત્યાં સુધી આ રોડ પર ન આવતા. મુંબઈના એક યુઝરે પોસ્ટ કરી હતી કે ‘અંધેરી-વેસ્ટથી કૅબ બુક કરીને સાંજે ૭ વાગ્યે નીકળ્યો હતો. પરોઢિયે ૩.૪૦ વાગ્યે પુણે પહોંચ્યો. મને 
અત્યાર સુધીનો સૌથી ખરાબ ટ્રાફિક-અનુભવ થયો છે.’

એક મુસાફરે જણાવ્યું હતું કે ‘પ્રશાસને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોને પીવાનું પાણી પણ પૂરું પાડ્યું નથી, પણ ટોલ-બૂથ પર ટોલ વસૂલવાનું સતત ચાલુ છે. ટોલ-કર્મચારીઓ ટ્રાફિક જૅમ વિશે માહિતી પણ નથી આપતા.’

mumbai news mumbai pune news pune mumbai traffic maharashtra government maharashtra news maharashtra mumbai pune expressway