જવું તો જવું ક્યાં?

14 September, 2022 08:11 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

બીએમસીની ચૂંટણી પહેલાં મુંબઈના બીજેપીના નેતાઓ એક જુઓ ને એક ભૂલો એવી જબરદસ્ત નવરાત્રિ ઇવેન્ટ યોજવાની તૈયારી કરી રહ્યા છે.

ફાલ્ગુની પાઠક, કિંજલ દવે અને પ્રીતિ-પિન્કી


મુંબઈ : બીએમસીની ચૂંટણી પહેલાં મુંબઈના બીજેપીના નેતાઓ એક જુઓ ને એક ભૂલો એવી જબરદસ્ત નવરાત્રિ ઇવેન્ટ યોજવાની તૈયારી કરી રહ્યા છે. બોરીવલી-વેસ્ટમાં આ વખતે ત્રણ અલગ-અલગ સ્થળોએ ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠક, કિંજલ દવે અને પ્રીતિ-પિન્કીની જોડી રંગ જમાવશે, પરંતુ આ બધામાં એક વસ્તુ કૉમન છે અને એ છે ત્રણેયના આયોજક બીજેપીના નેતાઓ છે. 
ફાલ્ગુની પાઠક સંતોષ સિંહ દ્વારા આયોજિત ઇવેન્ટમાં ખેલૈયાઓને ગરબા રમાડશે અને તેમને  નૉર્થ મુંબઈના બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનો ટેકો છે. સ્થાનિક વિધાનસભ્ય સુનીલ રાણેએ કિંજલ દવેને ખાસ અમદાવાદથી બોલાવ્યાં છે, તો વિપક્ષના ભૂતપૂર્વ નેતા પ્રવીણ દરેકરે પોતાના ભાઈ પ્રકાશ દરેકર સાથે મળીને પ્રીતિ-પિન્કીની જોડી સાથે નવરાત્રિનું આયોજન કર્યું  છે. જોકે આમાંના નેતાઓ ગોપાલ શેટ્ટી અને સુનીલ રાણેએ તેમની વચ્ચે પક્ષમાં કોઈ સ્પર્ધા હોવાની વાતને નકારી કાઢી છે. હા, પણ ગોપાલ શેટ્ટી એટલું જરૂર કહે છે કે જેમને મારા ટેકાની જરૂર છે એ બધા સાથે હું છું, પરંતુ જેમને મારા ટેકાની જરૂર નથી તેમની સાથે નથી. 
મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. બીએમસીની ચૂંટણીને માત્ર એક મહિનો બાકી છે ત્યારે બીજેપી ગુજરાતી મતદારોને આકર્ષવાની કોઈ તક છોડવા માગતું નથી. બોરીવલીમાં આ વખતે કુલ ચાર સ્થળોએ ગરબાનાં મોટાં આયોજન થઈ રહ્યાં છે. 
સ્થાનિક નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે ‘ત્રણ મોટા નેતાઓ ત્રણ અલગ-અલગ સ્થળોએ નવરાત્રિના ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. મારા જેવા અદના બીજેપી કાર્યકર માટે કયા સ્થળે હાજર રહેવું એ એક કોયડો બની રહે છે. કોઈ એક જ સ્થળે આયોજન કરીને એકતા દર્શાવી શક્યા હોત એને બદલે લોકો અને કાર્યકરોમાં ખોટો સંદેશ ગયો છે. આ ઇવેન્ટને કારણે જૂથવાદ વધુ વકરશે.’ 
સુનીલ રાણેએ કહ્યું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી હું ખેલ મહોત્સવ, ખાદી મહોત્સવ, બાળનાટ્ય મહોત્સવ જેવા સાંસ્કૃતિક અને રમતોત્સવનું આયોજન કરતો આવ્યો છું. પહેલી વખત નવરાત્રિબ ઉત્સવનું આયોજન કરી રહ્યો છું, જેમાં દમ હશે તે ટકશે.’
જોકે ઘણા પ્રયત્નો છતાં પ્રવીણ દરેકરનો આ મામલે પ્રતિક્રિયા માટે સંપર્ક થઈ શક્યો નહોતો. 

ફાલ્ગુની પાઠક બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી દ્વારા સમર્થિત નવરાત્રિમાં છે.

બીજેપીના વિધાનસભ્ય સુનીલ રાણે આયોજિત ઇવેન્ટમાં કિંજલ દવે પર્ફોર્મ કરશે

 પ્રવીણ દરેકર દ્વારા આયોજિત નવરાત્રિની ઉજવણીમાં પ્રીતિ-પિન્કી સૂર રેલાવશે  

mumbai news borivali navratri