ગામદેવીમાં રહેતી કચ્છી મહિલાને જૂના ડ્રાઇવર દ્વારા ફરી હેરાનગતિ

26 June, 2025 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ફોન અને મેસેજ કરીને પરેશાન કરે છે : દારૂ પીને કામ પર આવતો હોવાથી ૨૦૧૬માં તેને કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારથી એના ગુસ્સામાં હેરાન કરે છે

પ્રતીકાત્મક તસવીર

ગામદેવીમાં ચોપાટી નજીકની એક સોસાયટીમાં રહેતી ૪૫ વર્ષની કચ્છી મહિલાને ફોન અને મેસેજ કરીને પરેશાન કરતા ૩૫ વર્ષના દીપક દુબે સામે મંગળવારે ગામદેવી પોલીસે ફરિયાદ નોંધી હતી. ૨૦૧૬માં કચ્છી મહિલાના ઘરે દીપક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો ત્યારે સતત તે દારૂ પીને કામ પર આવતો હોવાથી તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એનો ગુસ્સો રાખીને તેણે કચ્છી મહિલા અને તેના પરિવારને સતત પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એ દરમ્યાન કચ્છી પરિવારે તેની સામે ગામદેવી પોલીસ-સ્ટેશનમાં આ પહેલાં પાંચ ફરિયાદો નોંધાવી હતી અને પોલીસે તેને જેલમાં પૂર્યો હતો. જોકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી પાછું તેણે પરેશાન કરવાનું શરૂ કરી દેતાં મંગળવારે છઠ્ઠી વાર ફરિયાદ નોંધવામાં આવી હતી.

ગામદેવીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિશ્વનાથ કોલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં પણ નવી મુંબઈના ઘણસોલીમાં રહેતા દીપક સામે પીછો કરવા, હેરાન કરવા અને છરીથી હુમલો કરવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. દીપક ૨૦૧૫થી ૨૦૧૬ દરમ્યાન કચ્છી પરિવાર માટે કામ કરતો હતો અને એ વખતે દારૂ પીને કામ પર આવતો હતો એટલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. એ પછી તેણે પરિવારને ધમકાવવા અને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ વખતે દીપકે આઠથી ૨૨ જૂન દરમ્યાન ફરિયાદી મહિલાને અનેક વાર ફોન અને મેસેજ કર્યા હોવાનો આરોપ છે. આ કેસમાં અમે વહેલી તકે તેની ધરપકડ કરીશું.’

mumbai mumbai crime news crime news mumbai police sexual crime mumbai crime branch news mumbai news chowpatty