18 October, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયા ગોલ્ડ બિસ્કિટ
પ્રિયા ગોલ્ડ બ્રૅન્ડ હેઠળ બિસ્કિટનું ઉત્પાદન કરતી જાણીતી કંપની સૂર્યા ફૂડ ઍન્ડ ઍગ્રો દ્વારા બિસ્કિટ બનાવવામાં ઢોરઢાંખરને ખવડાવવા માટેનું થૂલું એટલે કે કૅટલફીડ બ્રૅનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આ ગંભીર બાબતે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત FSSAIના નિયમોના ભંગ બદલ ડોડલા ડેરી અને UEIR ઑર્ગેનિક ફૂડ્સ સામે પણ કાયદેસરનાં પગલાં ભરવામાં આવ્યાં છે.
શનિવારે સોશ્યલ મીડિયા પર FSSAIએ જણાવ્યું હતું કે આ ત્રણેય કંપનીઓ સામે ગંભીર ફૂડ-સેફ્ટી વાયોલેશન્સ બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ-રેગ્યુલેટરે સૂર્યા ફૂડ ઍન્ડ ઍગ્રોના પ્લાન્ટની તપાસ કરી હતી, જેમાં ખાદ્યસુરક્ષા અને હાઇજીન સંબંધિત ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.
રેગ્યુલેટરે જણાવ્યું હતું કે માણસોના વપરાશ માટે અયોગ્ય અને ફક્ત પશુઓના આહાર માટે નિર્ધારિત થૂલુંનો ઉપયોગ પ્રિયા ગોલ્ડ બિસ્કિટના ઉત્પાદનમાં ફાઇબરના સ્રોત તરીકે કરવામાં આવતો હતો.
જે કોથળાંઓમાં આ થૂલું રાખવામાં આવ્યું હતું એના પર
પશુ-આહાર માટે હોવાનું સ્પષ્ટ માર્કિંગ પણ હતું. આ સિવાય પ્લાન્ટમાં હાઇજીન, પેસ્ટ કન્ટ્રોલ, કાચા માલનો સંગ્રહ અને વર્ગીકરણ, કર્મચારીઓની સ્વચ્છતા તેમ જ પરિસરની જાળવણીમાં ભારે બેદરકારી જોવા મળી હતી. આ ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ FSSAIએ પ્રથમ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું અને હવે એની સામે કોર્ટમાં પ્રોસિક્યુશન શરૂ કરવામાં આવ્યું છે.
ડોડલા ડેરીના દૂધમાં ડિટર્જન્ટ અને કૉસ્ટિક સોડા મળ્યા
તેલંગણના હૈદરાબાદની ડોડલા ડેરીના ફુલ ક્રીમ દૂધના સૅમ્પલની ચકાસણી દરમ્યાન એ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું હતું. કંપનીની અપીલ બાદ આ સૅમ્પલ રેફરલ ફૂડ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. લૅબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે દૂધમાં ડિટર્જન્ટ અને કૉસ્ટિક સોડાની હાજરી હોવાથી એ સ્વાસ્થ્ય માટે તદ્દન અસુરક્ષિત છે તેમ જ દૂધમાં ફૅટનું પ્રમાણ પણ નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું ઓછું હતું. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ 2006 હેઠળ ગંભીર ગુનો બનતો હોવાથી સક્ષમ સત્તામંડળે ડેરી અને સંબંધિત સંસ્થાઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
આ ઉપરાંત UEIR ઑર્ગેનિક ફૂડ્સ દ્વારા વેચવામાં આવતી પીળી કિસમિસના સૅમ્પલમાં હાનિકારક જંતુનાશકોના અંશો મળી આવતાં એની સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.