વ્હિસ્કી અને રમમાં ફ્લેવર્સ ઉમેરતી અનેક કંપનીઓને FSSAIએ ફટકારી નોટિસ

05 August, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મામલે મહારાષ્ટ્રના ૬ અન્ય ઉત્પાદકોને નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

ભારતના ફૂડ-રેગ્યુલેટર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ અને ઇનબ્રુ બેવરેજિસ સહિતની શરાબ બનાવતી કંપનીઓ સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરી છે. આ રેગ્યુલેટરે આ કંપનીઓની ફૅક્ટરીઓને ઉત્પાદનના કુદરતી સ્વાદની નકલ કરતી ફ્લેવર ઉમેરવા બદલ નોટિસ ફટકારી છે. FSSAIએ સ્પષ્ટતા કરી છે કે સ્વાદ ઉમેરતા પદાર્થોના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી, આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે કેટલાક ઉત્પાદકો નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રમાણિત આલ્કોહૉલિક પીણામાં ફ્લેવર્સ ઉમેરી રહ્યા છે. રમમાં રમની ફ્લેવર અને વ્હિસ્કીમાં વ્હિસ્કીની ફ્લેવર ઉમેરવામાં આવી રહી છે. 

આ ઉલ્લંઘનોમાં પરવાનગી વિના ફ્લેવર ઉમેરવા અને ઉત્પાદન શેલ્ફ-લાઇફના દાવા-નિયમો અનુસાર ન હોવાનો સમાવેશ થાય છે. જોકે એ સમયે FSSAIએ શરાબ-ઉત્પાદક કંપનીઓ અને એમની સાથે સંકળાયેલી ફૅક્ટરીઓનાં નામ જાહેર કર્યાં નહોતાં. રવિવારે FSSAIએ કહ્યું હતું કે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)ના બારામતી પ્લાન્ટને નોટિસ આપવામાં આવી છે, જ્યાં મૅક્ડોવેલના નંબર 1 રમનું ઉત્પાદન થાય છે.

આ સાથે મધ્ય પ્રદેશમાં USLના પ્લાન્ટને પણ નોટિસ આપવામાં આવી છે, જ્યાં ઍન્ટિક્વિટી બ્લુ વ્હિસ્કી અને રૉયલ ચૅલેન્જ વ્હિસ્કીનું ઉત્પાદન થાય છે. USLની માલિકી હવે બ્રિટિશ કંપની ડિયાજિયો PLCની છે. એનો મધ્ય પ્રદેશમાં એક પ્લાન્ટ છે જે ઍન્ટિક્વિટી બ્લુ વ્હિસ્કી અને રૉયલ ચૅલેન્જ વ્હિસ્કીનું ઉત્પાદન કરે છે. આ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.
મોહન રૉકી સ્પ્રિંગવૉટર,  ઇનબ્રુ બેવરેજિસ અને અસોસિએટેડ આલ્કોહૉલ ઍન્ડ બ્રુઅરીઝ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગોવામાં મૅન્ડેક્સી ડિસ્ટિલરીઝ ઍન્ડ બ્રુઅરીઝના પરિસરમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નમૂના લેવામાં આવ્યા છે. આ મામલે મહારાષ્ટ્રના ૬ અન્ય ઉત્પાદકોને નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

mumbai news mumbai food and drug administration maharashtra news maharashtra