08 February, 2025 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ કરવા માટે રાજ્ય સરકારે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની જાહેરાત કરી હતી. પરિવારની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય અને મહિલાની ઉંમર ૬૫ વર્ષથી ઓછી હોય તેને દર મહિને ગયા વર્ષના જુલાઈ મહિનાથી ૧૫૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ લાડકી બહિણ યોજનાની અપાત્રતા વિશે કહ્યું હતું કે ‘અત્યાર સુધી લાડકી બહિણ યોજનામાં નોંધણી કરનારી ૨.૪૩ કરોડ મહિલાઓને પ્રતિ મહિને ૧૫૦૦ રૂપિયાના સાત હપ્તા ચૂકવવામાં આવ્યા છે. આ મહિનાનો હપ્તો પણ ટૂંક સમયમાં આ મહિલાઓના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જોકે સંજય ગાંધી નિરાધાર યોજનાની લાભાર્થી ૨,૩૦,૦૦૦ મહિલા અને ૬૫ વર્ષથી મોટી ઉંમરની ૧,૧૦,૦૦૦ મહિલાને હવે પછી આ યોજનાનો લાભ નહીં મળે. આ સિવાય અત્યાર સુધી ૧,૬૦,૦૦૦ મહિલાઓએ પાત્ર ન હોવા છતાં નોંધણી કરી હતી તેમણે કાર્યવાહીના ડરથી સ્વેચ્છાએ યોજનામાંથી પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં છે. આમ લાડકી બહિણ યોજનામાંથી કુલ પાંચ લાખ મહિલાઓનાં નામ દૂર થઈ ગયાં છે. જોકે અપાત્ર ઠેરવવામાં આવેલી મહિલાને અગાઉ રકમ આપવામાં આવી હતી એ પાછી નહીં લેવામાં આવે.’