05 June, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદેની હાજરીમાં BJPના ભૂતપૂર્વ નગરસેવકો અને શિવસેના (UBT)ના પદાધિકારીઓએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
કલ્યાણ-ડોમ્બિવલીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪ ભૂતપૂર્વ નગરસેવકો, શિવસેના (UBT)ના પદાધિકારીઓ તથા બન્ને પક્ષના સેંકડો કાર્યકરોએ બુધવારે થાણેમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદેની હાજરીમાં તેઓ શિવસેનામાં જોડાયા હતા. વિપક્ષમાં રહેલી શિવસેના (UBT)ને તો ઠીક, શિવસેનાના મિત્ર-પક્ષ BJPને પણ આને કારણે મોટો ફટકો પડ્યો છે.
BJPના નગરસેવક રહી ચૂકેલા કપલ શ્રીકર ચૌધરી અને પ્રમીલા ચૌધરી તથા વધુ એક કપલ શૈલેશ ધાત્રક અને મનીષા ધાત્રકે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. ચારેય ભૂતપૂર્વ નગરસેવકોની વિદાય BJP માટે આંચકા સમાન છે.
જ્યારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં રિટાયર્ડ મ્યુનિસિપલ કમિશનર હેમા મુંબરકર તેમના કુટુંબીજનો તેમ જ સમર્થકો સાથે શિવસેનામાં જોડાયાં હતાં. એ ઉપરાંત યુવા સેનાના નેતા યોગેન્દ્ર ભોઈર, ટ્વિન્કલ ભોઈર તેમ જ કલ્યાણ-ડોમ્બિવલી અને અંબરનાથના શિવસેના (UBT)ના કાર્યકરો તેમ જ પદાધિકારીઓ પણ શિવસેનામાં જોડાઈ ગયા હતા.