14 August, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરપાણના હુમલામાં જમણા હાથમાં ઈજાગ્રસ્ત થયેલા સુખબીર સિંહ બાદલને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે નાંદેડમાં શિરોમણિ અકાલી દળના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની તપાસનો આદેશ આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે સુખબીર સિંહ બાદલને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બપોરે ૧.૪૫ વાગ્યે સુખબીર સિંહ બાદલ નાંદેડમાં ગુરુદ્વારા માતાસાહિબ દેવાનજી મુગટની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર કિરપાણથી હુમલો કર્યો હતો. એમાં તેમને જમણા હાથમાં ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાના સંદર્ભમાં નિહંગ જસપાલ સિંહ તેજપાલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ હુમલામાં સુખબીર સિંહ બાદલને બચાવવા જતાં એક સુરક્ષા-ગાર્ડ પણ જખમી થયો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સુખબીર સિંહ બાદલની હાલત સ્થિર છે.’દેવેન્દ્ર ફડણવીસે નાંદેડના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી ઘટના વિશે માહિતી માગી હતી. તેમણે પોલીસને હુમલા પાછળના હેતુની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોણ છે હુમલાખોર નિહંગ જસપાલ સિંહ તેજપાલ?
સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો કરનાર નિહંગ જસપાલ સિંહ તેજપાલે પુણેમાંથી લૉમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. તેણે બે વર્ષ ગુરુદ્વારામાં સેવેદાર (વૉલન્ટિયર) તરીકે પણ સેવા આપી છે. તેણે ત્યાર બાદ નિહંગ અંગીકાર કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ડ્રગનું જે દૂષણ વધ્યું છે એ માટે તેણે સુખબીર સિંહ બાદલને જવાબદાર ઠેરવ્યા હતા અને એથી તેમના પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે આ હુમલો ચોક્કસ કયાં કારણોસર કરવામાં આવ્યો એ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નહોતી.