એસએસસી અને એચએસસીની એક્ઝામ આપવાનું મોંઘું થવાનું

19 December, 2022 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસએસસી અને એચએસસીની એક્ઝામ-ફીમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવે એવો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ખોટમાં જઈ રહ્યું છે અને એ ખોટ ૪૦થી ૫૦ કરોડની હોવાથી એના પર કાબૂ મેળવવા બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની એક્ઝામ-ફીમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવે એવો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે. સ્ટેટ બોર્ડ રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થા છે એટલે એનો આર્થિક કારભાર સંસ્થાએ જ કરવાનો હોય છે.

દર વર્ષે એસએસસી અને એચએસસી મળીને સરેરાશ ૩૦ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય છે. તેમના દ્વારા મળતી એક્ઝામ-ફી અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા માગવામાં આવતી આન્સરશીટની કૉપી માટે લેવાતી રકમ બોર્ડની આવકના બે મુખ્ય સ્રોત છે. બંને મળીને અંદાજે ૧૮૦ કરોડ રૂપિયાની આવક થાય છે. હાલ એક્ઝામ-ફી તરીકે એસએસસીના વિદ્યાર્થીઓ પાસેથી ૩૭૫ રૂપિયા અને એચએસસીના વિદ્યાર્થીઓ પાસેથી ૪૧૫ રૂપિયા લેવામાં આવે છે.

છેલ્લે ૨૦૧૭માં એક્ઝામ-ફીમાં વધારો કરાયો હતો. એ પછી મોંઘવારી વધતાં ખર્ચાઓ વધી ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા કોઈ નિધિ બોર્ડને આપવામાં આવતી નથી. એના કર્મચારીઓને રાજ્ય સરકારના નિયમ અનુસાર પગાર અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સહિત વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ, પરીક્ષકોને આપવામાં આવતી રકમ, કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓના પગાર એ બધો જ ખર્ચ બોર્ડે ઉઠાવવાનો હોય છે અને એમાં વધારો થવાથી હવે બોર્ડને ખોટ પડી રહી છે. પહેલાં એસએસસી અને એચએસસી મળીને અંદાજે ૩૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા. હવે એ સંખ્યા ઘટીને ૩૦ લાખ થઈ ગઈ છે, જેની સીધી અસર આવક પર પડી છે. એથી હવે આવક વધારવા ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે.    

mumbai mumbai news maharashtra