જાહેરખબરોથી લોકોને મિસગાઇડ કરનારી સેલિબ્રિટીઝ પણ ગુનેગાર ગણાય, અને તેમની વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લઈ શકાય

10 August, 2026 09:03 AM IST  |  Mumbai | Ruchita Shah

‘લેબલ પઢેગા ઇન્ડિયા’ કૅમ્પેન દ્વારા અનહેલ્ધી પૅકેજ્ડ ફૂડને ખોટી રીતે પ્રમોટ કરનારાઓ સામે બાથ ભીડનારા સોશ્યલ ઍક્ટિવિસ્ટ ફૂડ ફાર્મર અને ફૂડ-ઇન્ડસ્ટ્રીના સિંઘમ તરીકે જાણીતા બનેલા FDA કમિશનર તુકારામ મુંઢે જ્યારે વાતે વળગ્યા

ઍક્ટિવિસ્ટ ફૂડ ફાર્મર અને ફૂડ-ઇન્ડસ્ટ્રીના સિંઘમ તરીકે જાણીતા બનેલા FDA કમિશનર તુકારામ મુંઢે

આ બ્રેકિંગ ન્યુઝ જેવી વાત પણ તેમની ચર્ચામાં થઈ તો બનાવટી દૂધના નેટવર્કને પકડવાનો જોરદાર ઉપાય પણ ફૂડ-કમિશનરે દેખાડ્યો. બિગેસ્ટ કોલૅબ ઑફ ધ ફૂડ-ઇન્ડસ્ટ્રી તરીકે પંકાયેલા આ પૉડકાસ્ટમાં થયેલી વાતોના ખાસ અંશો પ્રસ્તુત છે

આ ઇન્ટરવ્યુમાં છેલ્લે ફૂડ ફાર્મરે ઉમેર્યું કે દેશને આજે બૉલીવુડના ઍક્ટર્સ કે ક્રિકેટર્સ કરતાં તુકારામ મુંઢે જેવા સાચા અને પ્રામાણિક રોલ-મૉડલની જરૂર છે. જો આપણે દેશનું ભવિષ્ય બદલવું હોય તો આપણે સાચા રોલ-મૉડલ પસંદ કરવા પડશે. દેશનો દરેક નાગરિક જ્યારે જાગૃત થશે અને લેબલ વાંચશે ત્યારે જ ભારત ખરા અર્થમાં સ્વસ્થ અને સશક્ત બનશે.

સોશ્યલ મીડિયા પર ફૂડ ફાર્મર (Food Pharmer) તરીકે લોકપ્રિય રેવંત હિમતસિંગકા એ વ્યક્તિ છે જેણે અમેરિકાનું બે કરોડનું પૅકેજ છોડીને ભારતના નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે એક મૂવમેન્ટ શરૂ કરી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવાં તમામ પ્લૅટફૉર્મ્સ પર મળીને પચાસ લાખથી વધુ ફૉલોઅર્સ અને મહિને લગભગ સાડાત્રણ કરોડ વ્યુઝ ધરાવતા આ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે ૨૦૨૩માં બૉર્નવિટામાં છુપાયેલી ખાંડ વિશે વિડિયો બનાવ્યો જે એવો વાઇરલ થયો કે આખા દેશમાં પૅકેજ્ડ ફૂડ સામે મોટો જનઆક્રોશ ઊભો થયો હતો, જેને કારણે કંપનીએ પ્રોડક્ટમાં ૧૫ ટકા ખાંડ ઘટાડવી પડી હતી. આ સફળતા બાદ તેણે દેશનું સૌથી મોટું ગ્રાહક જાગૃતિ કૅમ્પેન ‘લેબલ પઢેગા ઇન્ડિયા’ અને સ્કૂલોમાં ‘શુગર બોર્ડ મૂવમેન્ટ’ શરૂ કરી છે, નકલી પનીર તેમ જ પામ ઑઇલનાં સ્કૅમ એક્સપોઝ કરવા જેવાં મહત્ત્વનાં અભિયાનો ચલાવ્યાં છે. દેશની ૩૦૦થી વધુ સ્કૂલોએ ‘શુગર બોર્ડ’ અપનાવ્યાં છે અને મૅગી તથા ક્વૉલિટી વૉલ્સ જેવી મોટી બ્રૅન્ડ્સને પણ પોતાનાં ઉત્પાદનો સુધારવાની ફરજ પડી છે. મોટી-મોટી કંપનીઓ તરફથી અવારનવાર મળતી લીગલ નોટિસો પછી પણ જનતાના અભૂતપૂર્વ સપોર્ટને કારણે ટકી રહેલા રેવંતને ૨૦૨૪માં  ફૉર્બ્સ ઇન્ડિયાના ‘ટૉપ 100 ડિજિટલ સ્ટાર્સ’માં પંદરમું સ્થાન અને ‘ઇન્ડિયન ઑફ ધ યર ઇન્ફ્લુઅન્સર અવૉર્ડ’ મળ્યો છે. તાજેતરમાં તેણે ગ્રાહકોના વોટિંગ દ્વારા ચાલતી ભારતની પહેલી ડેમોક્રૅટિક ફૂડ-બ્રૅન્ડ OWN (Only What’s Needed) લૉન્ચ કરીને હેલ્ધી ફૂડ-માર્કેટમાં એક નવો સૉલ્યુશન-આધારિત અધ્યાય શરૂ કર્યો છે. આ જ ફૂડ ફાર્મરે તાજેતરમાં ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ગાજેલું નામ અને દેશભરમાં સેફ ફૂડની ક્રાન્તિનો અધ્યાય જેમના થકી શરૂ થયો છે એવા દબંગ ઑફિસર, મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે સાથે વાતો કરી.

ફૂડ-ઇન્ડસ્ટ્રીના સિંઘમ તરીકે ઓળખાતા ૧૯૯૭ના બૅચના આ ઇન્ડિયન ઍડ્‍‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસરની ૨૧ વર્ષની કરીઅરમાં પચીસથી વધુ વખત ટ્રાન્સફર થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના FDA કમિશનર તરીકે ચાર્જ સંભાળતાંની સાથે માત્ર બે મહિનામાં જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં આઇકૉનિક રેસ્ટોરાં, આઇસક્રીમ પાર્લર અને મિલ્ક-માફિયાઓ સામે આક્રમક કાર્યવાહી કરીને તેમણે હાહાકાર મચાવ્યો છે. તો ચાલો જાણીએ કે આ બન્ને ફૂડ-વૉરિયર્સ મળ્યા ત્યારે તેમણે શું-શું વાતો કરી. 

 

બે મહિનામાં એટલી બધી ઍક્શન જોઈ છે જેને છેલ્લાં થોડાંક વર્ષોથી નથી જોઈ. તમે જ્યારે મોટી રેસ્ટોરાં અને બ્રૅન્ડ્સ સામે લડો છો ત્યારે તમને ડર નથી લાગતો? તમને ધમકીઓ નથી મળતી?

ડર લાગવાની કોઈ વાત જ નથી. ધૅટ્સ માય જૉબ (એ મારું કામ છે). પોતાની જૉબથી કેમ ડરવાનું? મહારાષ્ટ્રના લોકોને સેફ ફૂડ અને સેફ ડ્રગ મળે એ જોવાનું મારું કામ છે. જે ફૂડ અને દવા બને છે એ સેફ્ટી અને ગુણવત્તાને લગતા તમામ નિયમો મુજબ બની રહ્યાં છે કે નહીં એ સુનિશ્ચિત કરવું મારી પ્રાથમિક જવાબદારી છે. હું બસ એ જ કામ કરી રહ્યો છું.

 

હું જ્યારે બ્રૅન્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવું છું ત્યારે મને લીગલ નોટિસો, ગુંડાઓના કૉલ આવે છે અને ટ્‍‍વિટર પણ બૅન કરાવી દે છે. કંપનીઓ તમને પણ પ્રેશર આપે કે હેરાન કરે છે?

મને અત્યાર સુધી એવું કોઈ દબાણ નથી આવ્યું, કારણ કે હું એક રેગ્યુલેટર છું. રેગ્યુલેટર તરીકે મારી જૉબ જ છે કે ફૂડ અને ફાર્માની પ્રોડક્ટ્સને કાયદા મુજબ રેગ્યુલેટ કરવી. ભારતમાં અત્યાર સુધી ફૂડ માટે બાવીસ પ્રકારનાં સ્ટાન્ડર્ડ્‍સ ડિક્લેર થયાં છે જેને અમલમાં મૂકવાં એ ફૂડ સેફ્ટી કમિશનર તરીકે મારી જવાબદારી છે. ઍક્શન લેતી વખતે અમારી તમામ કાર્યવાહી પારદર્શી, પક્ષપાત વિનાની અને કાયદાને આધીન હોય છે. જો કોઈને એમ લાગે કે ડિપાર્ટમેન્ટે કંઈ ખોટું કર્યું છે તો મારી પાસે ‘ઓપન ડોર પૉલિસી’ છે. તેઓ આવીને પોતાનો પ્રૉબ્લેમ જણાવે તો હું જવાબ આપીશ. ફૂડ કે મેડિસિન મૅન્યુફૅક્ચરર્સ જો નિયમો મુજબ આગળ વધે તો તેમણે મારાથી જરાય ડરવાની જરૂર નથી, પણ જો નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમણે ચોક્કસ ડરવું જોઈએ.

 

દૂધમાં કેમિકલ અને સિન્થેટિક ભેળસેળનું મોટું નેટવર્ક સામે આવ્યું છે એની તપાસમાં શું બહાર આવ્યું અને એનો ઉકેલ શું છે?

હાલમાં જ અમે તપાસ કરી તો ખબર પડી કે પૅરૅલલ સિન્થેટિક અને કેમિકલ મિલ્કનું એક મોટું રૅકેટ ચાલે છે જેમાં સ્કિમ્ડ મિલ્ક પાઉડર, કેમિકલ્સ, ઇમલ્સિફાયર્સ (દૂધને ઘટ્ટતા આપતો પદાર્થ), કોસ્ટિક સોડા અને શૅમ્પૂ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું. ગાયનું કેમિકલયુક્ત દૂધ ૧૫ રૂપિયા અને ભેંસનું દૂધ ૩૦ રૂપિયાના ખર્ચે બની જતું હતું જે માર્કેટમાં ઊંચી કિંમતે વેચાતું હતું. આ રૅકેટ ફાર્મર લેવલ, મિલ્ક કલેક્શન સેન્ટર, ચિલિંગ સેન્ટરથી લઈને મોટી ડેરીઓ સુધી વિસ્તરેલું હતું. આગળ પણ આવા નેટવર્કનો પર્દાફાશ કરવો હોય તો એનો એક જ કાયમી ઉકેલ છે - દૂધની ટ્રેસેબિલિટી. દૂધનું એકેક ટીપું ક્યાંથી આવે છે એ ટ્રેસ થવું જોઈએ. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાના નૅશનલ ડિજિટલ લાઇવસ્ટૉક મિશન (NDLM) પોર્ટલ હેઠળ પશુઓનું ટૅગિંગ કરીને ડિજિટલ ટ્રેકિંગ શરૂ થાય તો દૂધના ઉત્પાદન અને કલેક્શનના આંકડા વચ્ચે મોટું અંતર દેખાય તો તરત જ ગરબડ પકડાઈ જશે. સાથે જ આવા ગુના કરનારાઓ સામે ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ કેસ ચલાવીને ફાઇનૅન્શિયલ ફ્રૉડ મુજબની સજા થવી જોઈએ.

 

સેલિબ્રિટીઝ દ્વારા અસુરક્ષિત કે ભ્રામક પ્રોડક્ટ્સ (જેમ કે પાન મસાલા કે વધુ શુગરવાળી પ્રોડક્ટ્સ)ની જાહેરખબરો કરવામાં આવે છે એના પર કોઈ ઍક્શન થઈ શકે?

મિસલીડિંગ એટલે કે ભ્રામક ઍડ્વર્ટાઇઝમેન્ટ કાયદાકીય રીતે ગેરકાયદે છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા
(FSSAI)ના કાયદા મુજબ માત્ર કંપની જ નહીં; ઍક્ટર, ઍક્ટ્રેસ કે સ્પોર્ટ્‍સપર્સન જે પોતાના શબ્દો, અભિનય કે જેસ્ચર દ્વારા ભ્રામક પ્રોડક્ટને પ્રમોટ કરે છે તેઓ પણ ભ્રામક ઍડ્વર્ટાઇઝમેન્ટથી ખોટો પ્રચાર કરવાના ગુનામાં સમાન રીતે જવાબદાર અને સજાને પાત્ર છે. FDA અને FSSAI આ દિશામાં કડક પગલાં લેવા જઈ રહ્યાં છે. ટૂંક સમયમાં એના વિશે તમને જાણવા મળશે.

 

મુંબઈના ૭૫ વર્ષ જૂના અને પ્રખ્યાત કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લર જેવી આઇકૉનિક જગ્યા સામે પણ તમે સસ્પેન્શનની કાર્યવાહી કરી. ત્યાં શું સ્થિતિ હતી?

તપાસ દરમ્યાન ત્યાં ફૂડ-સેફ્ટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
ફૂડ-પ્રોસેસની જગ્યા પર જ કર્મચારીઓનાં ગંદાં કપડાં સુકાતાં હતાં અને અધિકારીઓના પગ નીચેથી ઉંદરો દોડી રહ્યા હતા. માત્ર હાઇજીનનો જ પ્રશ્ન નહોતો, દરેક પ્રકારના નિયમોનું ઉલ્લંઘન હતું. ગ્રાહકોની સેફ્ટીનો પ્રશ્ન હોય ત્યારે એ બ્રૅન્ડ ગમે એટલી જૂની હોય, કાયદો બધા માટે સરખો છે. આ બાબતમાં વારંવાર નિયમો ભંગ કરનારનું લાઇસન્સ કાયમી ધોરણે કૅન્સલ થઈ શકે છે. લોકો માત્ર ટેસ્ટ જુએ છે, પરંતુ રસોડાનું હાઇજીન અને સ્ટાન્ડર્ડ્‍સ જોતા નથી એ દુખદ બાબત છે.

 

ભારતમાં ફૂડ-કલ્ચર બદલવા અને પૅકેજિંગ પર સચોટ માહિતી આપવા માટે શું કરવું જોઈએ?

પૅકેટની આગળ જ સરળ ભાષામાં અને મોટા અક્ષરે એમાં વપરાયેલી સામગ્રી, ન્યુટ્રિશન અને રેટિંગ લખવામાં આવે એ દિશામાં FSSAI અને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. ઘણીબધી કમિટીઓ ભેગી થઈને કાયદાઓ બનાવવામાં મદદરૂપ થતી હોય છે. અમે સક્રિયપણે લોકોને હેલ્ધી ફૂડને લગતી અવેરનેસ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. જેમ કે સ્કૂલના ૫૦ મીટરના દાયરામાં હાઈ ફૅટ, શુગર ઍન્ડ સૉલ્ટ (HFSS)વાળા ખોરાક કે એનર્જી ડ્રિન્ક્સ પર પ્રતિબંધનો આદેશ અપાયો છે. સરકાર કાયદા બનાવી શકે, પરંતુ લોકોએ પણ પોતે શું ખાઈ રહ્યા છે એ બાબતમાં સભાન થવું પડશે. દરેક વ્યક્તિ પોતાનો ચીફ હેલ્થ-ઑફિસર બને. લોકોએ પોતે જાગૃત થઈને શુગર અને ઇન્ગ્રીડિઅન્ટ્સ વાંચવાની ટેવ પાડવી પડશે. મારે પણ બે બાળકો છે. એક દીકરો અને દીકરી. અમારા ઘરમાં ક્યારેય સૉફ્ટ ડ્રિન્ક નથી આવતું. અમે હેલ્ધી ખાઈએ છીએ તો એ જોઈને અમારાં બાળકો પણ હેલ્ધી ફૂડ જ ખાય છે. મા-બાપે ખૂબ જ કૉન્શિયસ થવું પડે.

 

તમારામાં આટલી નીડરતા અને આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? બાળપણથી તમારું સપનું આવા મોટા અધિકારી બનવાનું હતું?

હું બીડ જિલ્લાના એક નાના ગામડા તાડસોનાના ખેડૂત પરિવારમાંથી આવું છું. દસમા ધોરણ સુધી મને ખબર પણ નહોતી કે IAS શું હોય છે. આ નીડરતા અને મૂલ્યો મને મારાં માતા-પિતા અને પરિવારે આપ્યા છે. જ્યારે મારી સામે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે હું મારી જાતને ૩ સવાલો પૂછું છું : શું આ કાયદેસર (Legal) છે? શું આ નૈતિક રીતે સાચું (Ethical) છે? શું આ વ્યક્તિગત સ્વાર્થને બદલે જનહિત (Public Interest)માં છે? જો આ સવાલોનો જવાબ હા હોય તો હું વિના સંકોચે એ નિર્ણય પર આગળ વધું છું.

 

લોકો તમનેનાયકફિલ્મના અનિલ કપૂર સાથે કમ્પેર કરી રહ્યા છે. ધારો કે તમે એક દિવસના ચીફ મિનિસ્ટર બનો તો શું કરો?

જુઓ રીલ અને રિયલ લાઇફ ડિફરન્ટ છે. ફિલ્મો મનોરંજન કે પ્રેરણા આપી શકે. તમે એમાંથી શીખી શકો, પરંતુ રિયલ લાઇફ જુદી હોય છે. મારી દૃષ્ટિએ તમે જે કામ કરી રહ્યા છો એ કામમાં તમે તમારો રોલ બેસ્ટ રીતે અદા કરી જાણો એ જ પૂરતું છે. એટલે હું ચીફ મિનિસ્ટર હોઉં તો એવું વિચારવાને બદલે અત્યારે મારો રોલ ફૂડ-કમિશનરનો છે એમાં હું શું કરી શકું એ જ વિચારું છું. આજે મહારાષ્ટ્રના લોકોને સેફ ફૂડ અને સેફ ડ્રગ મળે એ જોવાની જવાબદારી મારી છે. કાયદાનું આ બાબતમાં પાલન થાય એને હું બરાબર નિભાવું એ જ બેસ્ટ છે.

એક મેસેજ તમારાથી પ્રભાવિત તમામ ભારતીયો માટે...
દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પોતે લેવી પડશે. Eat Healthy, Eat Right, Be Fit.

food news food and drink food and drug administration maharashtra government maharashtra news maharashtra tukaram mundhe