14 November, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લાના વાઢવણના દરિયામાં ટગ-બોટ ડૂબી જતાં ૬ લોકો દરિયામાં ડૂબ્યા હતા. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ તાત્કાલિક હાથ ધરેલા રેસ્ક્યુ ઑપરેશનને લીધે પાંચ ક્રૂ મેમ્બર્સને બચાવી શકાયા હતા જ્યારે એક વ્યક્તિ ગુમ હોવાનું ICGના અધિકારીએ જણાવ્યું હતું.
૮ નવેમ્બરે મુંબઈથી રવાના થયેલી ટગ-બોટ (મોટા જહાજને ખેંચીને લઈ જનારી નાની બોટ) અમૃત-૧૬ વાઢવણ કિનારેથી લગભગ ૧૦ નૉટિકલ માઇલ દૂર લાંગરેલી હતી. ૧૨ નવેમ્બરે વહેલી સવારે બે વાગ્યે બોટમાં પાણી ભરાવાને લીધે એ ડૂબી ગઈ હતી. ક્રૂ-મેમ્બર્સે એક ડિસ્ટ્રેસ કૉલ કર્યો હતો એનો સૌપ્રથમ જવાબ અન્નપૂર્ણા નામની નજીકની રેસ્ક્યુ-બોટ દ્વારા આપવામાં આવ્યો હતો. અન્નપૂર્ણાના ક્રૂએ પાંચ લોકોને બચાવીને પોતાની બોટમાં બેસાડ્યા હતા. મૅરિટાઇમ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટર–મુંબઈને પણ ડૂબવાની જાણ કરવામાં આવી હતી અને દહાણુ ખાતેના કોસ્ટ ગાર્ડ સ્ટેશને તાત્કાલિક પૅટ્રોલ-બોટ રવાના કરી હતી. જોકે ગઈ કાલ સુધી ગુમ થયેલા ક્રૂ-મેમ્બરની ભાળ મળી નહોતી.