05 April, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીવાલ સાથે અથડાયેલી કારની તસવીર
મુંબઈના સૌપ્રથમ કોસ્ટલ રોડમાં ગઈ કાલે બપોરે ૧૨.૩૭ વાગ્યે પહેલો ઍક્સિડન્ટ થયો હતો. વરલીથી મરીન ડ્રાઇવ તરફ જઈ રહેલી બ્લૅક કલરની ટોયોટા કાર ટનલમાં ક્રૉસ પૅસેજ પાંચની દીવાલ સાથે અથડાઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ટનલમાં કારનો ઍક્સિડન્ટ થયો હોવાનો કૉલ પ્રિયદર્શિની પાર્ક કન્ટ્રોલ-રૂમમાં ૧૨.૪૨ વાગ્યે આવ્યા બાદ તરત જ રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી. ચાર મિનિટમાં ટોઇંગ વૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાર ચલાવી રહેલી વ્યક્તિએ કહ્યું હતું કે ટનલમાં કાર પ્રવેશી ત્યારે ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં હતી. સ્ટિયરિંગ લૂઝ હોવાથી નિયંત્રણ છૂટી જતાં કાર ટનલની દીવાલ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. કારમાં એ સમયે પાછળની સીટમાં બે લોકો હતા. આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ, પણ કારને ઘણું નુકસાન થયું હોવાનું જણાયું હતું. ૧.૨૯ વાગ્યે કારને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રસ્તો ક્લિયર થઈ ગયો હતો.