16 June, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
બાંદરા-ઈસ્ટમાં રવિવારે રાતે આગ ફાટી નીકળી હતી. હાલમાં જ તોડી પડાયેલા સ્ટેશન પાસેના ગેરકાયદે ગરીબનગર વિસ્તારનો ભંગાર અને કાટમાળ ટ્રકો ભરી-ભરીને એ સ્પૉટથી થોડે જ આગળ પાઇપલાઇન અને ટ્રૅક વચ્ચેની જગ્યા પર ઠાલવવામાં આવી રહ્યો છે. એ કાટમાળમાં રવિવારે રાતે આગ ફાટી નીકળી હતી. એ કાટમાળમાં લાકડું, પ્લાસ્ટિકની શીટ, તૂટેલી-ફૂટેલી ઘરવખરી, છાપરાં એમ અનેક જ્વલનશીલ વસ્તુઓ હોવાથી આગ ઝડપથી ફેલાય એવી શક્યતા હતી. જોકે એ કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર નથી એટલે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
રવિવારે સાંજે લાગેલી આગ ઓલવવા ફાયર-બ્રિગેડ આવી હતી. એ આગ સોમવારે બપોરે પાછી લાગી હતી. ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘છેલ્લા એક અઠવાડિયામાં એ જ સ્પૉટ પર આગ લાગ્યાના ઘણાબધા ફોનકૉલ્સ મળ્યા હતા. રોજ જ ત્યાં આગ લાગે છે. સખત ગરમી અને પવનને કારણે આગ લાગતી હોવાનું જણાય છે. એ કાટમાળમાં લાકડું, પ્લાસ્ટિક અને કપડાં મોટા પ્રમાણમાં હોવાથી એ કાટમાળની ગરમીમાં વારંવાર સળગી ઊઠે છે અને આગ લાગે છે.’
- સાર્થક મહેતા