02 April, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમાબાઈ બ્રિજ નીચે ઑટોરિક્ષામાં લાગેલી આગ.
ઘાટકોપર-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રમાબાઈ બ્રિજ નીચે લાગેલી આગમાં ૧૧ ઑટોરિક્ષા સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. પંતનગર પોલીસ-સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘બપોરે એક વાગ્યાની આસપાસ અમને આગ લાગી હોવાનો કૉલ મળ્યો હતો. તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક ફાયર-વિભાગને કરવામાં આવી હતી. આગને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો જોવા મળ્યો હતો. બ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી ઑટોરિક્ષાઓમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડી જ મિનિટોમાં તમામ વાહનો આગની લપેટમાં આવી ગયાં હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આગ એટલી ભયંકર હતી કે ઊંચે સુધી ધુમાડાના ગોટા ઊડતા જોવા મળ્યા હતા. આગને કારણે નજીકના માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને રાહદારીઓ તથા સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.’
ફાયર-અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ બ્રિજ નીચે પડેલા કચરાના ઢગલામાંથી આગ ભભૂકી હોઈ શકે છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને તપાસ ચાલુ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ ઘણા ઑટોરિક્ષાના માલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.