ફૅશન સ્ટ્રીટની આગમાં ૧૦ જેટલી દુકાનો બળીને ખાખ

06 November, 2022 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સદભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી

ચર્ચગેટમાં આવેલી ફૅશન સ્ટ્રીટમાં ગઈ કાલે લાગેલી આગમાં સળગી ગયેલી દુુકાનો અને આગ ઓલવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો. (તસવીર : અતુલ કાંબળે)

તળ મુંબઈના આઝાદ મેદાન અને ક્રૉસ મેદાનની વચ્ચેથી પસાર થતા મેટ્રો થિયેટરથી લઈને ચર્ચગેટના વીર નરીમાન રોડ પર મળતા મહાત્મા ગાંધી રોડ (ફૅશન સ્ટ્રીટ)ની દુકાનોમાં ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. એમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સદભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.

મુંબઈગરાઓ અને ખાસ કરીને મધ્યમવર્ગી યુવાન-યુવતીઓમાં ફૅશન સ્ટ્રીટનું ખાસ આકર્ષણ છે, કારણ કે લેટેસ્ટ ડિઝાઇનનાં પણ મોટા ભાગે ફૉરેનથી ઇમ્પોર્ટ કરેલાં યુઝ્ડ વેસ્ટર્ન આઉટફિટ્સનાં સારી બ્રૅન્ડનાં કપડાં ત્યાં સસ્તામાં મળી રહે છે. મુંબઈગરા જ નહીં, બહારગામથી આવતા ઘણા સહેલાણીઓ પણ અહીંથી કપડાં ખરીદતા હોય છે.

ગઈ કાલે બપોરે એક વાગ્યે ફૅશન સ્ટ્રીટની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં આજુબાજુની આઠથી દસ દુકાનોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ દેકારો મચી ગયો હતો. જીન્સ અને વેસ્ટર્ન આઉટફિટ્સની માર્કેટ હોવાથી કપડાંનો જથ્થો આ દુકાનોમાં હતો અને એટલે આગ બહુ જલદી ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. દુકાનદારોએ બની શકે એટલી ઝડપથી તેમનો માલ બચાવવાના પ્રયાસ કર્યા હતા. આજુબાજુની દુકાનવાળાઓ તેમની દુકાન પણ આગની ઝપટમાં આવી શકે છે એવી શક્યતા જોઈને તરત જ પોતાની દુકાનનો સામાન રોડની બીજી બાજુ ખડકતા જોવા મળ્યા હતા. રાહદારીઓનો અને વાહનવ્યવહારવાળો રસ્તો હોવાથી અનેક લોકો ત્યાં ઊભા રહી જતા હતા. મોટરિસ્ટોએ પણ તેમનાં વાહનો ધીમાં કરીને ત્યાંનું દૃશ્ય જોવાનું ચૂકતા નહોતા. અનેક લોકો મોબાઇલમાં વિડિયો ઉતારી રહ્યા હતા તો ઘણા લોકો ફોટો પાડી રહ્યા હતા.

ફાયર બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર ૧૨.૫૯ વાગ્યે તેમને આગ લાગ્યાનો કૉલ આવ્યો હતો. તરત જ ઍક્શન લઈને છ ફાયર એન્જિન, રેસ્ક્યુ વૅન, ઍમ્બ્યુલન્સ વગેરે ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ હોઝ પાઇપથી પાણીનો મારો ચલાવીને ૧૫થી ૨૦ મિનિટની અંદર આગ ઓલવી નાખી હતી. આગમાં માલસામાન બળી ગયો હતો, પણ 
કોઈ જાનહાનિના કે જખમી થવાના અહેવાલ નથી.     

mumbai mumbai news fashion