આખરે બેતાલીસ વર્ષે અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થનાં તાળાં ખૂલ્યાં

12 March, 2023 08:26 AM IST  |  Mumbai | Rohit Parikh

સુપ્રીમ કોર્ટના આદેશ પછી મહારાષ્ટ્રના અકોલા પાસેના તીર્થનાં તાળાં જય-જય શ્રી પાર્શ્વનાથના ગગનભેદી નારા સાથે ખોલવામાં આવ્યાં : જોકે સેવા-પૂજા કરવા માટે બે મહિના લાગશે

અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં ગઈ કાલે તાળાં ખૂલ્યા બાદ લેપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે એકત્રિત થયેલો જૈન સમુદાય.

મુંબઈ : સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ મહારાષ્ટ્રના અકોલા પાસે આવેલા શિરપુર ગામમાં જૈનોના અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના માલિકીના વિવાદને કારણે ૧૯૦૫થી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થને લગાડવામાં આવેલાં સરકારી તાળાં ગઈ કાલે સવારે વિજ્યમુહૂર્તે સેંકડો જૈન ભાવિકો અને પોલીસની હાજરીમાં જય-જય શ્રી પાર્શ્વનાથના ગગનભેદી નારા સાથે ખૂલી ગયાં હતાં. હવે આ દેરાસરનું સંચાલન કોર્ટના આદેશ પ્રમાણે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન સંભાળશે. સરકારી તાળાં દૂર થઈ ગયાં હોવા છતાં ભગવાનની મૂર્તિના લેપની પ્રક્રિયા બે દિવસ બાદ શરૂ થશે, જે અંદાજે બે મહિના ચાલશે; ત્યાર બાદ શ્વેતાંબરો અને દિગંબરો કોર્ટના આદેશ પ્રમાણે બે મહિના પછી પૂજા-સેવાનો લાભ લઈ શકશે એવો નિર્દેશ ગઈ કાલે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન દ્વારા આપવામાં આવ્યો છે.

બે મહિના પછી શ્વેતાંબરો અને દિગંબરો ૧૯૦૫ પહેલાંના તેમના સમયના કરાર મુજબ પૂજા-સેવાની શરૂઆત કરશે. આ માહિતી આપતાં આ સંસ્થાના મૅનૅજિંગ ટ્રસ્ટી દિલીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે ભારે ધૂમધામથી ૪૨ વર્ષ પછી વિજ્યમુહૂર્તે અંતરિક્ષજી પાર્શ્વનાથ દેરાસરનાં સરકારી તાળાં ખોલવામાં આવ્યાં હતાં. હવે પહેલાંની જેમ અમારી સંસ્થા આ દેરાસરનું કોર્ટના આદેશ પ્રમાણે સંચાલન કરશે. ગઈ કાલથી જ દેરાસરના શુદ્ધીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે ભાવિકો બહારથી દર્શન કરી શકશે. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પૂજનીય સ્થિતિમાં લાવવા માટેની લેપની પ્રક્રિયા વિધિવત્ શરૂ કરવામાં આવી છે.’

દિલીપ શાહે વધુમાં કહ્યું હતું કે ‘શિરપુર ગામમાં જૈનોનો અંતરિક્ષ તીર્થમાં ૪૨ ઇંચની પ્રાચીન સમયની શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ માટી અને ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. આ મૂર્તિને દેવલોકના દેવ દ્વારા કરવામાં આવી હતી, કોઈ મનુષ્ય દ્વારા નહીં. જે જમીનથી સાત આંગળ ઊંચી રહે છે. એ કોઈ પણ આધાર વિના હવામાં જમીનને સ્પર્શ્યા વગર રહે છે. એની નીચેથી કાપડ પસાર થઈ શકે છે. આવી અલૌકિક મૂર્તિની પૂજા-સેવા બે સંપ્રદાયોના વિવાદને કારણે ૪૨ વર્ષ પહેલાં દેરાસરમાં સરકારી તાળાં લાગી જવાથી બંધ થઈ ગઈ હતી. લેપની પ્રક્રિયા બે મહિના પછી પૂરી થતાં જ બન્ને સમુદાયના શ્રાવક-શ્રાવિકાઓ શાંતિ અને નિર્વિઘ્નપૂર્વક હવે ભગવાનની પૂજા-સેવા કરી શકશે.’

સુપ્રીમ કોર્ટે ૨૨ ફેબ્રુઆરીએ અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થનાં તાળાં હટાવવાનો વચગાળાનો આદેશ બાદ સમગ્ર જૈન સમુદાયમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. જૈનોમાં જલદીથી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થ જવાની ભાવિકોને તાલાવેલી લાગી છે. એમ જણાવતાં ગઈ કાલે અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થનાં સરકારી તાળાં દૂર થયાં એ વિશે પંન્યાસ શ્રી પરમહંસ વિજ્યજી મહારાજસાહેબે જૈનોને સંદેશો આપતાં કહ્યું હતું કે ‘જૈન સમાજ માટે આજે આનંદનો દિવસ છે. સમગ્ર જૈન સમાજને કોર્ટના આદેશ આવ્યો ત્યારથી ઇન્તેજારી હતી કે ક્યારે અંતરિક્ષજી તીર્થના દરવાજા પરથી સરકારી તાળાં દૂર થાય અને અમે અંતરિક્ષજી પાર્શ્વનાથદાદાની પૂજા-સેવાનો લાભ લઈ શકીએ. આજનો દિવસ કે મુહૂર્ત અમે પસંદ કર્યાં નથી. આ પહેલાં ૪ માર્ચે અને ૭ માર્ચે સરકારી તાળાં દૂર થવાની વાતો હતી, પરંતુ જે સરકારી પ્રક્રિયા ચાલી રહી એ પૂરી થતાં જ પરમાત્માએ આજનો જ દિવસ પસંદ કરીને સરકારી તાળાં દૂર કરાવ્યાં છે. આજે સિદ્ધ યોગ છે એના કરતાં પણ સૌથી વિશેષ એ છે કે આજે પાર્શ્વનાથ ભગવાનનો ચ્યવન કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકનો દિવસ છે. આવા શુભ દિવસે સરકારી તાળાં દૂર થયાં અને હવે પહેલાંની જેમ વ્યવસ્થા શરૂ થઈ જશે. હવે પારંપારિક પદ્ધતિથી તીર્થનો વહીવટ શરૂ થશે. આમ છતાં જ્યાં સુધી લેપની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈએ આ તીર્થમાં પૂજા-સેવા કરવાના ભાવથી આવવું નહીં. આ પ્રક્રિયા પૂરી થતાં બે મહિના જેટલો સમય લાગશે. ત્યાર પછી શ્વેતાંબરો અને દિગંબરો બધા જ સમુદાયના ભાવિકો આ તીર્થમાં ભક્તિ કરવા આવી શકે છે.’

mumbai mumbai news rohit parikh