ફિલ્મમેકર કમલ મિશ્રાએ પત્નીને કારથી મારી ટક્કર, કૅમેરામાં કેદ

27 October, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે આ મામલે એફઆઇઆર નોંધીને તપાસ શરુ કરી છે

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા (Kamal Kishor Mishra) પર તેની અભિનેત્રી પત્ની યાસ્મીન (Yasmin)ને કાર સાથે ટક્કર મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પત્નીએ કરેલી ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૯ ઓક્ટોબરના રોજ અંધેરી વેસ્ટ (Andheri West)માં એક બિલ્ડિંગના પાર્કિંગમાં આ ઘટના બની હતી. જેમાં કમલ મિશ્રાની પત્નીને ઈજા થઈ હતી.

આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે.

યાસ્મીન પતિ કમલ મિશ્રાને શોધી રહી હતી ત્યારે તેણે કમલને બિલ્ડિંગના પાર્કિંગમાં અન્ય મહિલા સાથે કારમાં બેઠેલો જોયો હતો. ત્યારે યાસ્મીન ગુસ્સે થઈ ગઈ અને તેની સાથે ઝઘડો કરવા લાગી. ત્યારબાદ કમલ મિશ્રા તેને ભગાડવા માટે કાર ચાલુ કરીને દોડાવવા માંડ્યો. તેણે કારથી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે યાસ્મીનને ટક્કર વાગી જેના કારણે તેને પગ, હાથ અને માથામાં વાગ્યું હતું.

યાસ્મીનની ફરિયાદ બાદ પોલીસે અંબોલીમાં કમલ મિશ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે. આમાં રેશ ડ્રાઇવિંગ (279) અને અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે છે (337)નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, કમલ મિશ્રાએ હિન્દી ફિલ્મ ‘દેહાતી ડિસ્કો’ (Dehati Disco) બનાવી છે.

mumbai mumbai news Crime News mumbai crime news andheri