20 August, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડની હોટેલ રાધાના રસોડામાં ગંદકી
મલાડ સ્થિત જાણીતી હોટેલ રાધામાં, કુર્લાની જનતા તવા ઍન્ડ ગ્રિલમાં અને ખારઘરની સરસ્વતી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની કૅન્ટીનમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાનાં ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યાં છે. મંગળવારે કરાયેલી આ તપાસમાં ભારે અસ્વચ્છતા અને અનિયમિતતાઓ જણાતાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ હેઠળ ત્રણેયનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
તપાસ દરમ્યાન મલાડની હોટેલ રાધાના રસોડામાં ઉઘાડી ગટરમાંથી વાંદા અને જીવંત ઉંદરો નીકળ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. કુર્લાની જનતા તવા ઍન્ડ ગ્રિલમાં વાસી તથા કાચું ચિકન-મટન અયોગ્ય તાપમાને ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું અને રસોઈનાં વાસણો પર ગ્રીસ તથા કચરો જામી ગયો હતો. બીજી તરફ ખારઘરની કૉલેજ કૅન્ટીનમાં ફૂડ વેન્ડિંગના નામે ગેરકાયદેસર કૅન્ટીન ચલાવવામાં આવતી હતી અને ત્યાં કીટક કે ઉંદરનિયંત્રણના કોઈ જ ઉપાયો નહોતા. ગ્રાહકો તથા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થતાં અટકાવવા માટે FDAએ આ ત્રણેય જગ્યાનાં તમામ ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.