08 October, 2026 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
FDAએ જપ્ત કરેલો ડુપ્લિકેટ વૉટર-બૉટલોનો જથ્થો.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખરાબ ગુણવત્તાનો તથા લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે એવો પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર-બૉટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જાણીતી કંપનીઓના એકાદ શબ્દમાં ફેરફાર કરીને લોકોને ભરમાવવાના મામલાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
FDA દ્વારા મંગળવારે ધુળેના નરડાણામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર બનાવતા એકમો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ૮૦,૨૦૮ પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર-બૉટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પાણી ખરાબ, હલકી ગુણવત્તાનું અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની શંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા પાણીની બૉટલોના જથ્થાની કિંમત ૮,૧૬,૩૨૦ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.
નરડાણા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પ્લૉટ T-11માં આવેલા શિવાય બેવરેજિસ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બરેલી, ઍક્વા, અજન્તા તથા ગ્રીષ્મા ઍક્વા નામ ધરાવતી બૉટલોનો જથ્થો જપ્ત કરી એના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આમાં બરેલી નામની કંપની જાણીતી મિનરલ વૉટર બ્રૅન્ડના નામમાં પૅકેજિંગ-લેબલિંગ દરમ્યાન થોડો ફેરફાર કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.