ધારાવીમાં ગેરકાયદે દવાના સંગ્રહનો પર્દાફાશ: FDAએ પાડ્યો દરોડો, દોઢ લાખની દવા જપ્ત

24 February, 2026 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુંભારવાડામાં આવેલા એક ગોડાઉનમાં લાઇસન્સ વગર વિવિધ દવાનો જથ્થો સંગ્રહવામાં આવતો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગેરકાયદે રીતે થતા દવાના સંગ્રહનો પર્દાફાશ થયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ ધારાવીમાં દરોડા દરમ્યાન આશરે દોઢ લાખ રૂપિયાની દવા જપ્ત કરી છે. કુંભારવાડામાં આવેલા એક ગોડાઉનમાં લાઇસન્સ વગર વિવિધ દવાનો જથ્થો સંગ્રહવામાં આવતો હતો જે કાયદાનું ઉલ્લંઘન છે. મુંબઈ ઇન્ટેલિજન્સ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સાયનના એક મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોર્સનું ધારાવીના કુંભારવાડામાં ગેરકાયદે ગોડાઉન હતું. સંબંધિત સ્થળ માટે જરૂરી લાઇસન્સ મેળવવામાં આવ્યું નહોતું કે એને માટે કોઈ સત્તાવાર અરજી પણ કરવામાં આવી નહોતી.

આ સમગ્ર કાર્યવાહી FDA કમિશનર શ્રીધર દુબે પાટીલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. અસિસ્ટન્ટ કમિશનર (ઇન્ટેલિજન્સ) વી. આર. રવિની દેખરેખ હેઠળ ડ્રગ-ઇન્સ્પેક્ટર હેમંત આડે અને અજય મહુલે સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી જ્યારે ડ્રગ-ઇન્સ્પેક્ટર પ્રેમદાસ સાખરેએ દવાનાં સૅમ્પલ ભેગાં કરીને બાકીનો જથ્થો જપ્ત કર્યો હતો. FDAએ સ્પષ્ટ કર્યું હતું કે લાઇસન્સ વગર દવાનો સંગ્રહ અને વિતરણ જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે અને આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત વ્યક્તિઓ સામે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ મુંબઈમાં દવાઓના સંગ્રહ અને વિતરણ-પ્રણાલીમાં નિયમોનું કડક પાલન કરવાની જરૂરિયાત ફરી પાછી ઉજાગર કરી છે.

mumbai news mumbai dharavi Crime News mumbai crime news crime branch mumbai police food and drug administration