27 June, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બધા મુખ્ય VIP કાર્યક્રમોમાં ઉચ્ચ વર્ગના લોકો અને રાજકીય વર્ગ દ્વારા ભોજનનો આનંદ માણતાં પહેલાં સલામતી માટે ફૂડ ટેસ્ટ કરવાનું કામ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના ફૂડ-ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવે છે અને તેમની સાથે સ્થાનિક પોલીસ-સ્ટેશનનો એક કૉન્સ્ટેબલ હોય છે. હાલમાં જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેની પુત્રી રેવતીનાં સારંગ લાખાણી સાથે થયેલાં લગ્ન પણ અપવાદ નહોતાં. એમાં FDAના ઇન્સ્પેક્ટરની મેનુ પરની દરેક વસ્તુનો સ્વાદ ચાખવાની ડ્યુટી હતી. એક વાર ટેસ્ટિંગ થઈ ગયા પછી ફૂડના નમૂનાઓ એકઠા કરવા, સીલ કરવા અને ૭૨ કલાક માટે પોલીસ રેકૉર્ડમાં રાખવા પડે છે.
ઘણી વાર VIP ફરજો માટે ફૂડ-ઇન્સ્પેક્ટરો અઠવાડિયાના ત્રણથી ૪ દિવસ તો એમાં જ રોકાયેલા હોય છે અને તેમની રેગ્યુલર ફરજ પર હાજર નથી રહી શકતા. ક્યારેક ૧૩ દિવસ સુધી તેમને આ પ્રકારના કામની ડ્યુટી સોંપી દેવાય છે એટલે નારાજ FDA અધિકારીઓએ VIP ફૂડ-ટેસ્ટિંગ ડ્યુટી પર ‘શું અમે ગિની પિગ છીએ?’ એવો સવાલ ઉઠાવ્યો છે.
અગાઉ FDAની ટીમમાં એક ડૉક્ટરને પણ ટેસ્ટિંગ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે જે. જે. હૉસ્પિટલે આ પ્રકારનું કામ ડૉક્ટરો માટે નથી એમ કહીને ફૂડ-ઇન્સ્પેક્શનની ટીમમાંથી ડૉક્ટરોને પાછા ખેંચી લીધા હતા.
આ પ્રોટોકૉલ હેઠળ સંસદસભ્ય રાહુલ ગાંધી જેવા જાહેર હોદ્દો ધરાવતા વિપક્ષી સભ્યોથી લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત સુધી, જેઓ કોઈ જાહેર હોદ્દો ધરાવતા નથી, તે બધાનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહપ્રધાન અમિત શાહ મુલાકાત લે છે ત્યારે તેમની પોતાની ઇન્ટર્નલ સિક્યૉરિટી ટીમ તેમના પ્રોટોકૉલના ભાગરૂપે સાયનાઇડ ટેસ્ટ કરે છે.