✕

હું ક્યાંય નથી ગયો, અનસેફ ફૂડ વિરુદ્ધની અમારી લડત ચાલુ જ છે

14 October, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાન્સફર થઈ હોવાની વાતો થવા લાગી એને પગલે FDAના કમિશનર તુકારામ મુંઢેએ આપી સ્પષ્ટતા

તુકારામ મુંઢે

અસુરક્ષિત, અસ્વચ્છ તથા હલકી ગુણવત્તાની ફૂડ-આઇટમોનો ગોરખધંધો કરતા લોકોનું દુઃસ્વપ્ન બનેલા મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેની ટ્રાન્સફર થઈ હોવાની ઊડેલી વાતોને તથા દાવાઓને તુકારામ મુંઢેએ પોતે જ ફગાવી દીધાં છે. તુકારામ મુંઢેએ તેમની ટ્રાન્સફર ન થઈ હોવાની સ્પષ્ટતા કરી છે.

સોશ્યલ મી‌ડિયા પરની ચર્ચાનો તુકારામ મુંઢેએ આપેલો જવાબ.

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ના પેપર-લીક તથા એક્ઝામની પ્રક્રિયામાં ગેરરી​તિઓની તપાસ માટે બનાવવામાં આવેલી પાંચ જણની કમિટીમાં તુકારામ મુંઢેનું નામ સરકારે રવિવારે જાહેર કર્યું હતું. એને પગલે તેમની ટ્રાન્સફર કરવામાં આવી હોવાની અફવા ઊડી હતી. જોકે આ વાત ખોટી હોવાની સ્પષ્ટતા તુકારામ મુંઢેએ કરી છે. 
પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘ના, મારી ટ્રાન્સફર કરવામાં નથી આવી. હું મહારાષ્ટ્રના FDAના કમિશનર તરીકે હજી કાર્યરત છું. અમારી અસ્વચ્છ અને ભેળસેળયુક્ત ફૂડ-આઇટમો તથા હલકી ગુણવત્તાનાં ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ ચાલુ જ છે.’ 
ઉલ્લેખનીય છે કે લગભગ બે દાયકાની કરીઅરમાં તુકારામ મુંઢેની અનેક વખત ટ્રાન્સફર થઈ છે અને તેમણે અસ્વચ્છ અને ભેળસેળયુક્ત ફૂડ-આઇટમો, કૉસ્મેટિક્સ, દવાઓ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કરેલી કાર્યવાહીને કારણે તેમની એક તરફ ભરપૂર પ્રશંસા થઈ રહી છે તો અમુક લૉબી તેમની વિરુદ્ધ પણ ઊભી થઈ છે જેને કારણે તેમનું નામ જ્યારે પેપર-લીકની તપાસ માટે નીમવામાં આવેલી કમિટીમાં જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમની ફરીથી ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ચર્ચા જાગી હતી.

mumbai news mumbai tukaram mundhe food and drug administration maharashtra news maharashtra government