29 April, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના મહાગાવ તાલુકામાં આવેલા વાગદ (ઇજારા) ગામમાં પુત્રી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં પાસ થવાની ખુશીમાં મીઠાઈ વહેંચી રહેલા પ્રહ્લાદ ખંદારેનું હાર્ટ-અટૅક આવવાથી અવસાન થયું હતું. આ દુખદ બનાવથી ખંદારે-પરિવારમાં પુત્રી પાસ થવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ગયા અઠવાડિયે બાવીસમી એપ્રિલે UPSCની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું હતું એમાં મોહિની ખંદારે દેશભરમાં ૮૮૪મા રૅન્ક સાથે પાસ થઈ હતી. પુત્રી સરકારી ઑફિસર બનવાની ખુશીમાં મોહિનીના પિતા પ્રહ્લાદ ખંદારેએ મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી હતી. આવી જ રીતે રવિવારે પ્રહ્લાદ ખંદારે બપોરે મિત્રોને મીઠાઈ વહેંચવા નીકળ્યા હતા ત્યારે તેમને છાતીમાં જબરદસ્ત દુખાવો ઊપડ્યો હતો. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રહ્લાદ ખંદારે પંચાયતના નિવૃત્ત અધિકારી હતા. તેમણે પુત્રી મોહિનીને પણ મોટી સરકારી ઑફિસર બનાવવા માટે ભણાવી હતી. પોતાની ઇચ્છા પ્રમાણે મોહિનીએ ૨૦૨૧માં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષા પાસ કર્યા બાદ UPSCની તૈયારી કરી હતી અને એમાં પણ સારો રૅન્ક મળ્યો હતો એથી પ્રહ્લાદ ખંદારે ખૂબ ખુશ થયા હતા. જોકે આ ખુશી વ્યક્ત કરતી વખતે જ તેમનું મૃત્યુ થવાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી.