15 July, 2026 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનામાં મૃત્યુ પામનાર દેવેન્દ્ર સિંહ રાજપૂત.
ઉલ્હાસનગરમાં હિટ ઍન્ડ રનની એક ઘટના સોમવારે સામે આવી હતી. બેફામ ઝડપથી આવતી એક કારે મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળથી ભાગી જવાના ચક્કરમાં કારના ડ્રાઇવરે રસ્તા પર પડેલા ઘાયલ વૃદ્ધના શરીર પર ફરી કાર ચડાવી દીધી હતી. આ અમાનુષી કૃત્યમાં ૫૧ વર્ષના દેવેન્દ્ર સિંહ રાજપૂતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમનો પુત્ર સંજય ગંભીર ઘાયલ થયો છે. આ મામલામાં કલ્યાણના જાણીતા બિલ્ડર અને સોનાના વેપારી અવિનાશ મુથાની ઉલ્હાસનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી અવિનાશ ભારતીય જનતા પાર્ટી (BJP)નો કાર્યકર છે.
થાણે ઝોન ચારના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સચિન ગોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉલ્હાસનગર-1માં બિરલા ગેટ સામેથી દેવેન્દ્ર સિંહ રાજપૂત અને તેમનો પુત્ર સંજય સોમવારે સવારે સાડાનવ વાગ્યે મોટરસાઇકલ પર શહાડ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન પૂરપાટ ઝડપે દોડતી એક કારે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેને કારણે બન્ને રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતાં કારચાલકે વાહન થોડે દૂર રોક્યું હતું. જોકે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારના ડ્રાઇવર અવિનાશ મુથાએ ત્યાંથી ભાગી છૂટવા માટે કારને રિવર્સ લીધી હતી અને રસ્તા પર પડેલા દેવેન્દ્ર સિંહના શરીર પરથી ચલાવીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. આ ગુનાની ગંભીરતા જોઈને ઉલ્હાસનગર પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કરીને આરોપી અવિનાશની ધરપકડ કરી લીધી છે.’
ઉલ્લેખનીય છે કે અવિનાશના પિતા પ્રકાશ મુથા અગાઉ કૉન્ગ્રેસના મોટા નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણના નજીકના ગણાતા હતા જેઓ બાદમાં BJPમાં જોડાયા હતા. તેઓ કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં સોના-ચાંદીના વેપારીઓના અગ્રણી નેતા તરીકે ઓળખાય છે.