મર્સિડીઝ ચલાવતા દારૂડિયા નબીરાઓએ બાઇકને અડેફેટે લઈને એકનો જીવ લીધો

05 May, 2025 06:59 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આ ઍક્સિડન્ટ પછી કાર બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પટકાઈ, પણ ઍરબૅગ્સ ખૂલી જવાથી પોતે બચી ગયા

બાઇકરને અડફેટે લઈને બ્રિજ પરથી સર્વિસ રોડ પર પટકાયેલી મર્સિડીઝના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

પુણેના સિંહગડ રોડ પર નવલે બ્રિજ (વડગાવ બ્રિજ) પર શુક્રવારે મધરાત બાદ ૩.૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ૩ વ્યક્તિ ઘાયલ થઈ હતી. પૂરઝડપે જઈ રહેલી મર્સિડીઝે બાઇકને અડફેટે લીધી હતી અને પછી કાર બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. કારની ઍરબૅગ્સ ખૂલી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા લોકો બચી ગયા હતા. બાઇક ચલાવી રહેલા પિંપરી-ચિંચવડમાં રહેતા કુણાલ હુશારનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું, જ્યારે તેની પાછળ બેસેલા પ્રજ્યોત પૂજારીને ગંભીર ઈજા થઈ હતી.

જાણકારી મળ્યા મુજબ કારમાં પ્રવાસ કરી રહેલા ૨૭ વર્ષના શુભમ ભોસલે અને તેના મિત્રો નિખિલ રાનડે, શ્રેયસ સોલંકી અને વેદાંત ​રાજપૂત હતા. ચારે જણે પહેલાં હિંજવડી વિસ્તારમાં દારૂ-પાર્ટી કરી હતી. એ પછી તેઓ પુણે–બૅન્ગલોર હાઇવે પરથી કાત્રજ બોગદા તરફ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે વડગાવ બ્રિજ પર બાઇક પર જઈ રહેલા કુણાલ હુશાર અને પ્રજ્યોતને અડફેટે લીધા હતા. તેઓ બન્ને કીર્તનના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા.

આ કેસ વિશે વધુ માહિતી આપતાં સિંહગડ રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દિલીપ દાઇંગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર શુભમ ચલાવી રહ્યો હતો. અમે તેમની મેડિકલ ટેસ્ટ કરાવી હતી જેમાં ચારે જણે દારૂ પીધો હોવાનું જણાઈ આવ્યું છે. અમે સદોષ મનુષ્યવધ અને ડ્રન્કન ડ્રાઇવિંગનો ગુનો નોંધ્યો છે. આજે તેમને હૉલિડે કોર્ટમાં હાજર કરવામાં આવશે.’

mumbai pune pune news road accident crime news mumbai crime news mumbai police news mumbai news