દૂધ-પનીરમાં ભેળસેળ કરનારા લોકોની હવે ખેર નથી

13 August, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભેળસેળિયાઓ વિરુદ્ધ MCOCA હેઠળ ગુનો નોંધવાનો એકનાથ શિંદેનો આદેશ

મંગળવારે સહ્યાદ્વિ ગેસ્ટ હાઉસમાં એકનાથ શિંદે સાથેની બેઠકમાં તુકારામ મુંઢે ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે અધિકારીઓને આદેશ આપતાં જણાવ્યું હતું કે દૂધ અને પનીર સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાં તત્ત્વો સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અૅક્ટ (MCOCA) હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

મંગળવારે ફૂડ અૅન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘દૂધ અને ડેરી-ઉત્પાદનોમાં ભેળસેળ કરતાં તત્ત્વો નાગરિકોના અને ખાસ કરીને નાનાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. બાળકો મોટા પ્રમાણમાં દૂધનું સેવન કરતાં હોય છે ત્યારે નકલી પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને કારણે કૅન્સર જેવા ગંભીર રોગો થવાનું જોખમ રહેલું છે. આવા અસામાજિક તત્ત્વો લોકોના જીવન સાથે સીધી રમત રમી રહ્યા હોવાથી તેમના પ્રત્યે સહેજ પણ નરમ વલણ દાખવ્યા વગર બિનજામીનપાત્ર ગુનો નોંધીને આકરી કાર્યવાહી કરવી જરૂરી છે જેથી તેઓ કાનૂની છટકબારીઓનો લાભ ન ઉઠાવી શકે.’

આ બાબતના કેસની કાનૂની પ્રક્રિયાને મજબૂત બનાવવા વિશે ખાસ સૂચના આપતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે અદાલતી કાર્યવાહી દરમ્યાન આરોપીઓ સામેનો કેસ નબળો ન પડે અે માટે તકેદારી રાખવી અનિવાર્ય છે. આ હેતુસર નામાંકિત અને વરિષ્ઠ કાનૂની નિષ્ણાતોની મદદ લઈને તાત્કાલિક ધોરણે એક વિશેષ લીગલ ટીમની રચના કરવા પણ તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. 

mumbai news mumbai eknath shinde maharashtra government maharashtra news maharashtra food and drug administration tukaram mundhe