કસબને બિરયાની આપનારાઓને ક્રિકેટરોની કદર નથી

13 July, 2024 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમને ઇનામ આપવાની ટીકાના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું...

મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રના ગઈ કાલના છેલ્લા દિવસે બોલી રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે.

નાણાપ્રધાન અજિત પવારનું ખિસ્સું ખંખેરીએ તો ૧૧ કરોડ રૂપિયા નીકળે એવો ટોણો પણ મુખ્ય પ્રધાને વિધાનસભામાં માર્યો

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. આ સાથે જ મહાયુતિ સરકારનું પણ છેલ્લું સત્ર પૂરું થયું છે. T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ૧૧ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત સરકારે કરી છે એની વિરોધ પક્ષો ટીકા કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વિધાનસભામાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાનના આતંકવાદી અજમલ કસબને બિરયાની ખવડાવવામાં આ લોકોને કોઈ વાંધો નથી આવ્યો, પણ ભારતની ટીમ વર્લ્ડ કપમાં વિજય મેળવે છે એની ખુશી તેઓ સહન નથી કરી શકતા. મુંબઈમાં કાઢવામાં આવેલી ક્રિકેટ ટીમની વિક્ટરી પરેડ માટે ગુજરાતથી બસ લાવવા સામે પણ કૉન્ગ્રેસને વાંધો હતો. ગુજરાત શું ભારતની બહાર આવેલું છે? નાણાપ્રધાન અજિત પવારનું ખિસ્સું ખંખેરીએ તો ૧૧ કરોડ રૂપિયા નીકળે. સરકાર પાસે પૂરતા રૂપિયા છે અને ઇનામ આપવા માટે રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે એટલે વિરોધીઓએ ચિંતા કરવાની જરૂર નથી.’

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભા સત્રના સમાપન કરવા માટેના ભાષણમાં વિરોધ પક્ષોને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ ભારતના રાજકારણમાં ભૂતકાળ બની ગઈ છે. લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં એ સતત હારી રહી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીમાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ જ મહારાષ્ટ્ર અને ભારતનું ભવિષ્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને વિકાસકાર્ય કરી રહી છે અને કોઈને રૂપિયા ઓછા ન પડે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમે જનતાના કલ્યાણ માટેના નિર્ણય લઈએ છીએ. ટીકાનો જવાબ અમે કામથી આપીએ છીએ.’

mumbai news mumbai eknath shinde ajit pawar t20 world cup indian cricket team political news