18 January, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં એ પછી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ એના તમામ નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોને બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી શહેરમાં હોટેલ પૉલિટિક્સની નવી અટકળો શરૂ થઈ છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ શિવસેનાના તમામ વિજેતા કૉર્પોરેટરોને શનિવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પાર્ટીનું નેતૃત્વ કૉર્પોરેટરોને આગામી ૩ દિવસ હોટેલમાં રાખે એવી શક્યતા છે. ભગવાનની ઇચ્છા હશે તો અમારો મેયર બનશે એવું ઉદ્ધવ ઠાકરે બોલ્યા અને એકનાથ શિંદેએ કૉર્પોરેટરોને હોટેલમાં ખસેડ્યા એ વચ્ચે કનેક્શન જોવામાં આવી રહ્યું છે.
BJP સાથે મહાયુતિ છતાં કોઈ કૉર્પોરેટર પક્ષપલટો ન કરે એ માટે તેમ જ ચૂંટણી પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા અને મેયર તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અન્ય મુખ્ય હોદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકનાથ શિંદે કૉર્પોરેટરો સાથે અનેક બેઠકો કરે એવી શક્યતા છે.