17 July, 2025 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એકનાથ શિંદે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકર સાથે.
મહારાષ્ટ્રમાં સુધરાઈની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષોમાં પણ સત્તા મેળવવા માટે જોડતોડની રમત શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ ડૉ. બાબસાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકરની રિપબ્લિકન સેના સાથે યુતિ કરી લીધી છે. મુંબઈ સહિત રાજ્યનાં શહેરોમાં તેમ જ જિલ્લા પરિષદની ચૂંટણીમાં દલિતોના વોટ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
યુતિની જાહેરાત કરતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘આનંદરાજ આંબેડકર અને રિપબ્લિકન સેના સાથે જોડાયાનું અમને ગર્વ છે. બન્ને પક્ષનાં સમાન મૂલ્યો અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સર્વાંગી વિકાસ માટે અમે સાથે મળીને કામ કરીશું.’
આનંદરાજ આંબેડકર અગાઉ અમરાવતીથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પણ જીતી નહોતા શક્યા. રિપબ્લિકન સેનાની પકડ વિદર્ભમાં વધુ હોવાનું મનાય છે.