04 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં યોજાયેલી ટી-પાર્ટીમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના નેતાઓ.
એકનાથ શિંદેએ કહ્યું કે અમારી ખુરસીની અદલાબદલી થઈ ગઈ છે, ફક્ત અજિતદાદાની ખુરસી ફિક્સ રહી. આના જવાબમાં દાદાએ કહ્યું કે તમને ખુરસી ફિક્સ કરતાં ન આવડ્યું એમાં હું શું કરું? બન્ને નેતાઓની વાત સાંભળીને દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે અમારી ચૅર તો રોટેટિંગ છે
આજથી શરૂ થઈ રહેલા બજેટસત્રની પૂર્વસંધ્યાએ ગઈ કાલે સરકાર દ્વારા આયોજિત કરાયેલી પત્રકાર-પરિષદમાં એકનાથ શિંદે અને અજિતદાદા પવાર વચ્ચે સામસામે સૂચક એવી હળવી કમેન્ટ થઈ હતી. એમાં વળી દેવેન્દ્ર ફડણવીસે ઝુકાવતાં બધા ખડખડાટ હસી પડ્યા હતા.
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘સરકારની ટીમ ભલે નવી રહી, પણ અમારી ટીમ તો જૂની જ છે. ફક્ત અમારી ખુરસીની અદલાબદલી થઈ છે. જોકે અજિતદાદાની ખુરસી ફિક્સ રહી છે.’
એકનાથ શિંદેએ પોતે મુખ્ય પ્રધાનમાંથી નાયબ મુખ્ય પ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાનમાંથી મુખ્ય પ્રધાન બન્યા હોવાના સંદર્ભમાં આ કમેન્ટ કરી હતી.
જોકે આના સંદર્ભમાં મસ્તીના મૂડમાં અજિત પવારે કહ્યું હતું કે તમને જ ખુરસી ફિક્સ કરતાં ન આવડ્યું એમાં હું શું કરું? આ સાંભળીને દેવેન્દ્ર ફડણવીસે ટાપશી પુરાવતાં કહ્યું હતું કે અમારી તો રોટેટિંગ ચૅર છે. ત્યાર બાદ એકનાથ શિંદેએ કહ્યું કે આ બધું સમજૂતીથી જ થયું છે. આ આખા વાર્તાલાપ બાદ હૉલમાં હાજર લોકો ખડખડટ હસી પડ્યા હતા.