14 August, 2025 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાબેથી VVCMCના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર, ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર (સસ્પેન્ડેડ) વાય. એસ. રેડ્ડી અને બિલ્ડર સીતારામ ગુપ્તા.
ગેરકાયદે બાંધકામ સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)ના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવારની ધરપકડ કરી છે. અનિલ પવાર સાથે આ ગોટાળામાં સામેલ ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર (સસ્પેન્ડેડ) વાય. એસ. રેડ્ડી, બિલ્ડર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને આજે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)ની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ચારે આરોપીઓને વરલીમાં આવેલી EDની ઑફિસમાં હાજર થવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. કાર્યવાહી બાદ ત્યાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. નાલાસોપારામાં જાહેર જનતા માટે ફાળવવામાં આવેલી સરકારી અને પ્રાઇવેટ માલિકીની ૬૦ એકર જમીન ગેરકાયદે રીતે પચાવી પાડીને એના પર ૪૧ બિલ્ડિંગ ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. આ બિલ્ડિંગો પણ ગેરકાયદે હોવાથી એમને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી આ કેસની તપાસ ચાલી રહી છે. બુધવારે આરોપીઓની એકસાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કેસમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી અને મોડી સાંજે તેમને PMLA હેઠળ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. EDએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ, રાજકારણીઓ તેમ જ બિલ્ડરોની સાઠગાંઠથી બોગસ દસ્તાવેજો ઊભા કરીને પબ્લિકના ઉપયોગ માટે ફાળવવામાં આવેલી જમીનને પ્રાઇવેટ રિયલ એસ્ટેટની જમીન તરીકે જાહેર કરવામાં આવી હતી, જેને કારણે જાહેર જમીનને સોનાની ખાણ બનાવીને કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હતી.
શું હતો લાંચનો દર?
PMLAની તપાસમાં બહાર આવ્યું હતું કે અનિલ પવારે VVCMCના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે એક સ્ક્વેરફુટ માટે વીસથી ૨૫ રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી. ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડી એક સ્ક્વેરફુટ માટે ૧૦ રૂપિયા લાંચ તરીકે લેતા હતા. EDએ અગાઉ આરોપીઓની કરોડો રૂપિયાની પ્રૉપર્ટી અને કીમતી વસ્તુઓ જપ્ત કરી છે.