બીએમસી પર કોઈ લગામ તાણશે ખરું?

13 December, 2023 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

બિલ્ડરોને નોટિસ આપી રહેલી બીએમસી પોતાનાં કામમાં સાવ રેઢિયાળ છે અને એના કામનાં કેટલાંક સ્થળોને મેટલ બોર્ડથી વાડ કરવામાં આવી છે, પરંતુ સ્થળ પરના કાટમાળને ઢાંકવામાં નથી આવતો કે પાણીનો છંટકાવ કરવામાં નથી આવતો એને કારણે આ વિસ્તારમાં ધૂળ ફેલાય છે

કાંદિવલી ચારકોપમાં ઊડતી ધૂળ ચિંતાનો વિષય બની છે.


મુંબઈ : બીએમસીએ વાયુપ્રદૂષણના મુદ્દાઓને લઈને કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ નાગરિકોનું માનવું છે કે બીએમસીના પોતાના કામને કેટલાંક નિયમનોની જરૂર છે. બીએમસી હાલમાં કાંદિવલીના મહાવીરનગરથી ચારકોપ સુધીના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ગટર અને ફુટપાથ પર કામ કરી રહી છે. કેટલાંક સ્થળોને મેટલ બોર્ડથી વાડ કરવામાં આવી છે, પરંતુ સ્થળ પરના કાટમાળને ઢાંકવામાં આવતો નથી કે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી જેને કારણે આ વિસ્તારમાં ધૂળ ફેલાય છે.
બીએમસીના અધિકારીઓએ વાયુપ્રદૂષણને કાબૂમાં લેવા માટે સમગ્ર શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર આશરે ૧૦૦૦ નોટિસ જારી કરી છે. ચારકોપના રહેવાસી સંજય ભાતે પૂછ્યું હતું કે ‘અમે સમજી શકીએ છીએ કે કામ જરૂરી છે, પરંતુ બીએમસીએ પોતે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ધૂળને કાબૂમાં રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી છે અને એના પોતાના કૉન્ટ્રૅક્ટરો પર તેમનો કન્ટ્રોલ નથી કે પછી વાયુપ્રદૂષણ નિયંત્રણનાં પગલાં માત્ર સાઉથ મુંબઈ પૂરતાં જ મર્યાદિત છે?’
ચારકોપના અન્ય રહેવાસી અરુણ મલયેએ જણાવ્યું હતું કે ‘હવામાંની ધૂળને કારણે મને લાંબી ઉધરસ અને શરદીનો સામનો કરવો પડી રહ્યો છે. મેં સારવાર માટે હજારો રૂપિયા ચૂકવ્યા છે. હવે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. જો મારે પાંચ મિનિટ માટે મારા ઘરની બહાર જવું હોય તો હું માસ્કનો ઉપયોગ કરું છું. બીએમસીએ કંઈક નક્કર પગલાં લેવાં જોઈએ.’
બીએમસીના રોડ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘તમામ કૉન્ટ્રૅક્ટરોને કાટમાળને હૅન્ડલ કરવામાં ખૂબ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. કાટમાળ એક દિવસમાં ઉપાડવાનું કહેવામાં આવ્યું છે.’


બીએમસીની ગાઇડલાઇન્સ શું કહે છે?
રેતી, બાંધકામ સામગ્રી કે કોઈ પણ પ્રકારનો કચરો યોગ્ય બૅરિકેટમાં રાખવો જોઈએ અને એ તાડપત્રીના કવરથી ઢંકાયેલો હોવો જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જાહેર રસ્તાઓ, ફુટપાથ તથા ખુલ્લી જગ્યાઓ પર કોઈ બાંધકામ સામગ્રી અને કાટમાળ નાખવામાં ન આવે.

mumbai news kandivli brihanmumbai municipal corporation maharashtra news