28 July, 2023 11:53 AM IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ખાડાઓને લીધે થઈ રહેલા અકસ્માતને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા થવાથી કલાકો સુધી વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરથી પસાર થવું એક ચૅલેન્જિંગ ટાસ્ક થઈ ગયું છે. અહીં વિવિધ સ્થળોએ મોટા ખાડા પડ્યા હોવાથી એ જોખમી બની ગયો છે. ખાડાઓને કારણે આ રસ્તા પરથી અવરજવર કરવી મુશ્કેલ બની જતી હોવાની સાથે ભારે વાહનો પલટી જવાના બનાવો વધી ગયા છે. એ પ્રમાણે માત્ર ચોવીસ કલાકમાં બે વાહનો પલટી ખાઈ ગયાં હોવાના બનાવ સામે આવ્યા છે. અકસ્માતના આ બનાવોને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા જટિલ બની ગઈ હતી. મુશળધાર વરસાદ અને એમાં કલાકોના ટ્રાફિક જૅમને કારણે લોકોના નાકે દમ આવી ગયો હતો.
વસઈ-પૂર્વમાંથી પસાર થતાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વર્સોવા બ્રિજથી શિરસાડ ફાટા સુધી મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાને કારણે વાહનચાલકોએ વધુ જોખમી મુસાફરી કરવી પડે છે. ખાસ કરીને રેલવે બ્રિજ નીચે, માલજીપાડા ફ્લાયઓવર, સસુનવઘર, વર્સોવા બ્રિજ વિસ્તારમાં એકથી બે ફુટ ઊંડા ખાડા પડી ગયા છે જેને કારણે વાહનો પલટી જાય છે. બુધવારે મોડી રાતના હાઇવે પર માલજીપાડા પરિસર પાસે એક ટેમ્પો ખાડામાં ફસાઈને કાર પર પડતાં અકસ્માત થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બન્ને વાહનોને ખૂબ નુકસાન થયું હતું. અકસ્માતને કારણે વાહનોની અવરજવર પર પણ અસર થઈ હતી. આ ઘટના હજી તાજી જ હતી ત્યારે ગઈ કાલે સવારે આઠ વાગ્યાની આસપાસ વર્સોવા બ્રિજ પાસે સસુનવઘર પરિસરમાં ખાડાને કારણે મુંબઈની દિશા તરફ જતું એક મોટું કન્ટેનર પલટી ખાઈ જતાં અકસ્માત થયો હતો.
આ દુર્ઘટનાને પગલે બન્ને લેનની ટ્રાફિક-વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને વાહનોની સાતેક કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. વરસાદના સમયે મુસાફરો અને ટ્રકચાલકોને વાહનોમાં બેસી રહેવાની ફરજ પડી હતી.
ખાડાને કારણે વાહનો બૅલૅન્સ ગુમાવે છે
ચિંચોટીના હાઇવે ટ્રાફિક પોલીસ અધિકારી વિઠ્ઠલ ચિંતામણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ખાડાની સંખ્યા એટલી વધી ગઈ છે કે એમાં વાહનો અટવાય છે અને બૅલૅન્સ ગુમાવે છે. આવા અકસ્માતને કારણે ટ્રાફિક જૅમની મોટી સમસ્યા ઊભી થઈ છે. આ ટ્રાફિક જૅમને નિવારવા માટે ટ્રાફિક પોલીસે ઘણી મહેનત કરવી પડે છે.’
હાઇવેથી બચવા ગયા તો વસઈમાં હેરાન થયા
હાઇવે જૅમ થવાથી અને એની હાલત ખરાબ હોવાથી અમે ટ્રેનથી જવાનું વિચાર્યું, પણ ત્યાંય એવી જ હાલત થઈ હતી એમ કહેતાં વસઈના સાતિવલીથી વસઈ સ્ટેશન આવનાર મેહુલ મામણિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી ફૅક્ટરી પર આવતા લોકોને પૂછ્યું તો હાઇવેની એકદમ ખરાબ હાલત હોવાથી અમે ટ્રેનથી જવાનું નક્કી કર્યું, પણ વસઈના સાતિવલીથી જ એટલું પાણી ભરેલું હતું કે આ તળાવમાં પડી ન જવાય એવો ભય લાગી રહ્યો હતો. વરસાદને લીધે અમે બધા જલદી નીકળી ગયા હતા. અમે આઠેક લોકો સાતિવલીથી ટેમ્પોમાં એવરશાઇન પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ સ્ટેશન આવવા તૈયાર થાય જ નહીં એટલું પાણી ભરેલું છે. એક રિક્ષાવાળો મળ્યો, પણ તેણે ૨૦ રૂપિયાની જગ્યાએ અમારી પાસે ૫૦ રૂપિયા લીધા હતા. સ્ટેશન પહોંચવું હતું એટલે આપી દીધા, પરંતુ પાણીમાં ત્રણ વખત રિક્ષા બંધ પડી ગઈ હતી. અમે એને ધક્કો મારીને ચાલુ કરતા હતા.’
અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે કામસર વસઈ મેં મારા ડ્રાઇવરને મોકલ્યો હતો. વહેલી સવારે નીકળ્યા બાદ સાડાસાત વાગ્યા તો પણ તે લોઢાધામ પહોંચી શક્યો નહોતો. ટ્રાફિક જૅમ એટલો હતો કે વાહનો ચાલી જ રહ્યાં નહોતાં અને એમાં વરસાદ પણ ખૂબ જોરદાર હતો.’