30 July, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ છેડાને મોઢા અને હાથ પર ઈજા થઈ હતી.
પનવેલમાં નાડકર્ણી હૉસ્પિટલ નજીક પ્રિન્સ પૅરૅડાઇઝ સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષના મુકેશ છેડાને સોમવારે મોડી રાતે પનવેલ સ્ટેશનની બહાર નશામાં ધુત યુવકે છરીના ઘા મારીને તેમના રૂપિયા અને મોબાઇલ લૂંટી લીધા હોવાની ફરિયાદ પનવેલ શહેર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. આ ઘટનામાં હૉસ્પિટલમાં જઈ મોઢા અને હાથ પર તેમણે ૧૧ ટાંકા લેવા પડ્યા હતા. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના માધ્યમથી આરોપીની ધરપકડ કરી લીધી છે.
મુકેશ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંતાક્રુઝમાં મારી દુકાને ફર્નિચરનું કામ ચાલતું હોવાથી રાતે ૧ વાગ્યે હું ટ્રેનમાં પનવેલ પહોંચ્યો હતો. એ વખતે સ્ટેશનની બહાર આવતાં રિક્ષા ન મળી હોવાથી હું બસ-સ્ટૅન્ડ તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્ટેશનથી થોડો આગળ જતાં અચાનક એક યુવક મારી બાજુમાં આવ્યો હતો અને મારી પાસે ગાંજાની માગણી કરીને મારા ખિસ્સામાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો. એનો મેં વિરોધ કરતાં તેણે ખિસ્સામાંથી છરી કાઢીને મારા મોઢા પર ઘા માર્યો હતો. એનાથી બચીને હું થોડો પાછળ હટ્યો એટલે તેણે મારા હાથ પર છરીનો ઘા માર્યો હતો. મારા દુખાવાનો લાભ ઉપાડીને તે મારા ખિસ્સામાંથી સાડાચાર હજાર રૂપિયા અને મારો મોબાઇલ છીનવીને ત્યાંથી નાસી ગયો હતો. જોકે એ સમયે નજીકમાં એક રિક્ષાવાળો મારી મદદે આવ્યો હતો જે મને પોલીસ-સ્ટેશન લઈ ગયો હતો. ત્યાર બાદ હૉસ્પિટલમાં જઈ મારે મોઢા અને હાથ પર ટાંકા લેવા પડ્યા હતા.’
પવનેલ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ફરિયાદીનો મોબાઇલ પણ રિકવર કર્યો છે. આરોપીએ નશામાં હોવાથી આવું કર્યું હોવાની કબૂલાત કરી છે.’