અંધારું છવાતાં ચર્ચગેટ પાસેના રસ્તા બને છે શરાબીઓના અડ્ડા

24 January, 2023 08:05 AM IST  |  Mumbai | Shirish Vaktania

એશિયાટિક ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહારના રસ્તા પર ‘મિડ-ડે’એ ટીનેજર્સને શરાબમાં ડૂબેલા જોયા

રવિવારે ચર્ચગેટ સ્ટેશન નજીક એશિયાટિક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહારની ફુટપાથ પર ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે. સમીર માર્કન્ડે


મુંબઈ : એશિયાટિક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહારની ફુટપાથ ઓપન બારમાં ફેરવાઈ જાય છે અને સેંકડો લોકો મોડી રાત સુધી દારૂ પીવામાં મશગૂલ રહે છે. જગ્યાની લોકપ્રિયતા જોઈને આસપાસના સ્ટૉલ્સ અને ફેરિયાઓએ દારૂની મોજ માણવા આવતા લોકોને ફ્રાઇડ સ્નૅક્સ અને બૉઇલ્ડ એગ્સ પૂરાં પાડવાનું શરૂ કરી દીધું છે.
રવિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ ‘મિડ-ડે’ને ચર્ચગેટ રેલવે સ્ટેશન પાસે ટીનેજર્સ સહિત ૩૦ કરતાં વધુ લોકો દારૂ પીતા જોવા મળ્યા હતા. સાંજ ઢળવા સાથે શરાબીઓનો જમાવડો પણ વધવા માંડ્યો હતો.

આ રિપોર્ટરે વીર નરીમાન રોડ પરના ઇન્ડસ્ટ્રિયલ અસોસિએશન બિલ્ડિંગમાંની નીતા વાઇન્સમાંથી લોકોને શરાબ ખરીદતા જોયા હતા. સાથે તેમણે ડિપાર્ટમેન્ટ સ્ટોરની બાજુના સ્ટૉલમાંથી પ્લાસ્ટિકના કપ અને સ્નૅક્સ પણ ખરીદ્યા હતા. ત્યાં હાજર મોટા ભાગના યુવાનો ચર્ચગેટ સ્ટેશન નજીક ઓવલ મેદાન કે આઝાદ મેદાન પર ક્રિકેટ રમવા આવ્યા હતા.
ત્રણથી ચાર ગ્રુપ ટ્રોફી સાથે જીતની ખુશી મનાવી રહ્યા હતા તો બે ફ્રેન્ડ ડાન્સ કરી રહ્યા હતા. આસપાસ ક્યાંય પોલીસ અધિકારી કે સુધરાઈના અધિકારી જોવા મળ્યા નહોતા.
સ્ટૉલના માલિકે જણાવ્યું હતું કે ‘મારી શૉપ આ પીનારાઓ પર જ નભે છે, કારણ કે હું તેમને ગ્લાસ અને ચખના આપું છું. સુધરાઈ કદી સાંજે સાત વાગ્યા પછી કાર્યવાહી નથી કરતી અને અમારો ધંધો સાંજ પડતાં શરૂ થાય છે.’

બૉઇલ્ડ એગ્સનો સ્ટૉલ ચલાવતા માણસે કહ્યું હતું કે હું રોજ ૫૦૦ બૉઇલ્ડ એગ્સ લાવું છું અને મોડી રાત સુધીમાં એ તમામ વેચાઈ જાય છે.
આ મામલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીલેશ બગુલે જણાવ્યું હતું કે ‘મારી ટીમ આ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને પગલાં ભરશે. જાહેરમાં શરાબ પીવો ગુનો છે. અમે આ દૂષણ દૂર કરીશું.’

આ પણ વાંચો:Maharashtra: ભગત સિંહ કોશ્યારીએ રાજ્યપાલના પદ પરથી આપ્યું રાજીનામું

કાયદો શું કહે છે?

આઇપીસીની કલમ ૫૧૦ હેઠળ જાહેરમાં દારૂ પીવો ગુનો છે. કલમ અનુસાર કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે નશાની હાલતમાં દેખાય કે ત્યાંથી પસાર થાય અને ત્યાં કોઈ વ્યક્તિને પરેશાની થાય એ રીતે વર્તણૂક કરે તો તે વ્યક્તિને ચોવીસ કલાક સુધીની સાદી કેદ અથવા તો દસ રૂપિયા સુધીનો દંડ અથવા સજા અને દંડ બંને થઈ શકે છે.
શરાબીઓનું બીજું સ્વર્ગ

બાંદરા-ઈસ્ટમાં કલાનગરની કલેક્ટર કચેરી નજીકના આરએનએ પાર્ક બહારની જગ્યા પણ રોજ સૂર્યાસ્ત પછી ખુલ્લા બારમાં ફેરવાઈ જતી હોવાનું ‘મિડ-ડે’ સાક્ષી બન્યું હતું. ઘણા લોકો પાર્ક થયેલી કારમાં અને રિક્ષામાં બેસીને કે રોડના ખૂણે દારૂ પીતા જોવા મળ્યા હતા. શરાબીઓને ભેળ, ચણા, ચખના અને એગ્સ પૂરા પાડવા માટે કલેક્ટર કચેરીની બહાર ઘણા ગેરકાયદે સ્ટૉલ્સ ફૂટી નીકળ્યા છે. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરે રવિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ જગ્યાની મુલાકાત લીધી ત્યારે ૪૦થી ૫૦ લોકો શરાબ પીતી જોવા મળી હતી.

mumbai news churchgate