05 August, 2025 11:34 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
૪૦ વર્ષના હર્ષપાલ વાઘમારે નામના આર્મી ઑફિસર
નાગપુરમાં નશામાં ચૂર થઈને ગાડી ચલાવતા આર્મી ઑફિસરે રસ્તા પરથી પસાર થતા પચીસથી ૩૦ લોકોને અડફેટે લીધા હતા અને છેવટે ગાડી રોડની બાજુમાં આવેલા ગટરના નાળામાં જઈને પડી હતી. આસપાસના લોકોએ આર્મી ઑફિસરને નાળામાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ ભેગા થયેલા લોકો મારશે એ બીકે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.
૪૦ વર્ષના હર્ષપાલ વાઘમારે નામના આર્મી ઑફિસરનું પોસ્ટિંગ આસામમાં થયું છે. ત્યાંથી ૪ દિવસની રજા લઈને તે નાગપુર આવ્યો હતો. રવિવારે રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ દુર્ગા ચોક વિસ્તારમાંથી ગાડી લઈને તે પસાર થયો હતો. આ ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે ડ્રાઇવરે લોકોને અથડાતાં પહેલાં જ કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રસ્તા પરથી ઊતરી ગઈ હતી. રસ્તા પર ચાલતા પચીસથી ૩૦ લોકોને અડફેટે લીધા બાદ કાર રસ્તાની બાજુમાં ગટરના નાળામાં પડી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ ઑફિસરને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતને કારણે તેને મોઢા પર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું છતાં તેણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી. લોકોએ તેને પકડીને તાત્કાલિક પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. આર્મી ઑફિસર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ જણાવ્યું છે.