બે સંતાનો રઝળી પડ્યાં

22 June, 2020 11:08 AM IST  |  Mumbai Desk | Prakash Bambhrolia

બે સંતાનો રઝળી પડ્યાં

થાણે આરટીઓ ઑફિસ

કોરોના સામેની લડતમાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની સાથે આરટીઓ વિભાગ પણ ફ્રન્ટલાઇન પર કામ કરી રહ્યો છે. શનિવારે થાણે આરટીઓના ડોમ્બિવલીમાં રહેતા ક્લર્ક અને તેની પત્નીનું મૃત્યુ થયું હતું. ક્લર્કના બહેનને પણ વાઇરસનું સંક્રમણ થતાં બે સંતાન રઝળી પડ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ચોવીસ કલાક ગુજરાત અને નાશિક તરફનાં વાહનોની તપાસમાં કામ કરતી થાણે આરટીઓ ટીમના પાંચ અધિકારીને પણ વાઇરસનું સંક્રમણ થવાની સાથે ૪૦ કર્મચારી પણ ઝપટમાં આવ્યા છે, જ્યારે ૭ કર્મચારી ક્વૉરન્ટીનમાં છે.

થાણે જિલ્લાના આરટીઓ વિભાગનો એરિયો ગુજરાત બોર્ડર અને કલ્યાણથી આગળ નાશિક રોડ શરૂ થાય ત્યાં સુધીનો છે. દરરોજ આ વિસ્તારમાં હજારો વાહનોની અવરજવર થાય છે. બહારથી આવતાં વાહનોના રજિસ્ટ્રેશન ચકાસવાથી માંડીને લૉકડાઉનના સમયમાં વાહનોમાં છુપાવીને ગેરકાયદે લોકોને લઈ જવાની કરાતી પ્રવૃત્તિ રોકવાનું કામ આ વિભાગ દ્વારા કરાઈ રહ્યું છે. લૉકડાઉન શરૂ કરાયા બાદથી આવાં ૯૦૦ વાહનોને મેમો આપવાની સાથે આરટીઓએ ૧૭૫ વાહન જપ્ત કર્યાં છે.
થાણે આરટીઓના ચીફ રવિ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ વાહનોની અવરજવર વધી છે, જેને લીધે કોરોના વાઇરસનો ફેલાવો પણ વધ્યો છે. અમારા વિભાગના ડોમ્બિવલીમાં રહેતા ૪૫ વર્ષના ક્લર્ક પ્રકાશ સાળવી અને તેની પત્ની કોરોનાનો ભોગ બન્યાં છે. બન્નેના ૨૪ કલાકની અંદર મૃત્યુ થયાં છે. ક્લર્કની સાથે રહેતી બહેનને પણ સંક્રમણ થવાથી તે હૉસ્પિટલમાં ઍડ્‌મિટ છે. તેના બે સંતાન રઝળી પડ્યાં છે. અમારા વિભાગના કર્મચારીઓ અત્યારે તેમની દેખરેખ રાખી રહ્યા છે. આરટીઓ ફ્રન્ટલાઇન પર કામ કરતું હોવા છતાં અમારી પાસે માત્ર ૧૬૦ ઑફિસર અને ૬૦ જેટલા કર્મચારીઓ જ છે. કોરોના વાઇરસથી બચવા માટે પ્રોટેક્શન કિટ પણ અપૂરતી હોવા છતાં, ગુજરાત બોર્ડરથી લઈને મુંબઈ-નાશિક રોડ સુધીના અમારા વિસ્તારમાં વાહનો પર નજર રાખવા હું અડધી રાતે અચાનક મુલાકાત લઉં છું.’

મારા વિભાગના ડોમ્બિવલીમાં રહેતા ૪૫ વર્ષના ક્લર્ક પ્રકાશ સાળવી અને તેની પત્ની કોરોનાનો ભોગ બન્યાં છે. બન્નેના ૨૪ કલાકની અંદર મૃત્યુ થયાં છે. - રવિ ગાયકવાડ, થાણે આરટીઓના ચીફ

prakash bambhrolia mumbai mumbai news dombivli thane