26 August, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-વેસ્ટમાં કોપર રોડ પર રહેતી ૩૦ વર્ષની સૉફ્ટવેર એન્જિનિયર યુવતીને લગ્નની લાલચ આપીને ૧૧,૦૫,૮૫૨ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વિષ્ણુનગર પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતી યુવતીની ઓળખ ઑનલાઇન ડેટિંગ ઍપ્લિકેશન પર સાઈકિરણ રેડ્ડી નામના યુવાન સાથે થઈ હતી. પોતાને બ્રિટનની કન્સલ્ટિંગ ફર્મ બિગ 4નો કર્મચારી ગણાવીને આ ઠગે યુવતીનો વિશ્વાસ જીતીને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી ત્યાર બાદ પોતાના પિતા કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હોવાનું કહીને સારવારના નામે યુવતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતવા માટે તેણે બ્રિટનથી ૧૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૨.૫૦ લાખ રૂપિયા) ટ્રાન્સફર કર્યા હોવાનો એક નકલી સ્ક્રીનશૉટ પણ મોકલ્યો હતો. જોકે પૈસા ન મળતાં છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
શું હતો ઘટનાક્રમ?
ડોમ્બિવલીમાં રહેતી સૉફ્ટવેર એન્જિનિયર યુવતીની ઓળખ આઇસલ ડેટિંગ ઍપ્લિકેશન મારફત ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં સાઈકિરણ રેડ્ડી નામના યુવાન સાથે થઈ હતી. તેણે પોતે વિદેશી કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરતો હોવાનું કહીને યુવતી સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી.
૧૫ ઑગસ્ટે સાઇબર ગઠિયાએ પિતા કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હોવાનું કહીને સારવારના નામે યુવતી પાસે નાણાકીય મદદ માગી હતી. યુવતીનો વિશ્વાસ જીતવા માટે ઠગે બ્રિટનથી ૧૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૨.૫૦ લાખ રૂપિયા) અને પાછળથી ૮ લાખ રૂપિયા NEFT કર્યા હોવાના નકલી સ્ક્રીનશૉટ તેમ જ રસીદો મોકલી આપ્યાં હતાં, પરંતુ યુવતીના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નહોતો.
લગ્નના વચન અને ઠગની વાતોમાં આવીને યુવતીએ ૧૫થી બાવીસ ઑગસ્ટ દરમ્યાન પોતાના ખાતામાંથી તબક્કાવાર કુલ ૧૧,૦૫,૮૫૨ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
યુવકનો એકાએક નંબર બંધ થતાં તેમ જ પોતાના પૈસા પાછા ન મળતાં યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો એટલે તેણે સાઇબર પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ બૅન્ક-સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે વિષ્ણુનગર
પોલીસ- સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.