આરટીઓની ઝુંબેશને કારણે જીવલેણ અકસ્માતમાં થયો ૩૦ ટકાનો ઘટાડો

16 March, 2023 11:24 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

હેલ્મેટ વગર, લેન-કટિંગ, રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ પ્રકારના ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાને કારણે મુંબઈ-પુણે હાઇવે પર જોવા મળ્યું આ પરિણામ

ફાઇલ તસવીર

મુંબઈ-પુણે જૂના હાઇવે અને એક્સપ્રેસવે પર આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને પરિણામે ગયા વર્ષની સરખામણી જીવલેણ માર્ગ-અકસ્માતમાં ગયા વર્ષની સરખામણીમાં છેલ્લા ત્રણ મહિનામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલું અભિયાન છ મહિના સુધી ચાલશે. એમાંથી ત્રણ મહિના થઈ ગયા છે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનર (રોડ સેફ્ટી સેલ) અને ટ્રાન્સપોર્ટ ઑફિસર ભરત કાળસકરે કહ્યું હતું કે ‘પહેલી ડિસેમ્બરથી અમે હેલ્મેટ વગર, લેન-કટિંગ, રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ પ્રકારના ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવા માટે પૂરતા સ્ટાફ સાથે ૨૪ કલાકનું અભિયાન છેડ્યું હતું. એ માટે મુંબઈથી ૩૦ કર્મચારીઓ, પનવેલ, પુણે અને પિમ્પરી-ચિંચવડ આરટીઓ ઑફિસને કામે લગાવીને ૧૨ સ્ક્વૉડ બનાવી હતી. એમાંથી છ સ્ક્વૉડને એક્સપ્રેસવે અને હાઇવે પર તહેનાત કરાઈ હતી. અમે જે સિદ્ધિ મેળવી એ મહત્ત્વની હતી. આંકડાઓ જ એ વાતની સાક્ષી પૂરે છે. ૨૦૨૨ના જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમ્યાન ૨૧ જીવલેણ અકસ્માતોમાં ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા તો હાલ ૨૦૨૩માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમ્યાન જીવલેણ અકસ્માતની સંખ્યા ઘટીને ૧૪ તેમ જ મરણાંક પણ ૧૪ થયો હતો. એમ ગયા વર્ષ કરતાં અકસ્માતની સંખ્યામાં ૩૩ ટકાનો તેમ જ જીવલેણ ઘટનાઓમાં ૫૫ ટકાનો ફરક પડ્યો છે.’

આ આંકડાઓ પિમ્પરી-ચિંચવડ અને પનવેલ આરટીઓના છે. સામાન્ય રીતે એકસપ્રેસવે પર હાઇવે પોલીસ તહેનાત રખાય છે, પણ પહેલી વખત હાઇવે પોલીસ સાથે આરટીઓની ટુક્ડીઓ પણ હતી. 

શું કામ કરવામાં આવી રહ્યું છે ?
અધિકારીએ કહ્યું હતું કે ‘અમારા દ્વારા બ્લૅક સ્પૉટ્સને હટાવવા, જ્યાં વધુ પ્રમાણમાં અકસ્માત થાય એ જગ્યાનો અભ્યાસ કરવો અને ત્યાં બૅનરો લગાવવા, હાઇવે પર થતા ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ વગર અને સીટ-બેલ્ટ વગર જતા વાહનચાલકો, ભારે વાહનો દ્વારા લેનનો ખોટો ઉપયોગ અને લેન-કટિંગને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’ 

mumbai mumbai news pune pune news pune-mumbai expressway mumbai-pune expressway mumbai pune expressway rajendra aklekar