દિવાળીમાં મુંબઈના કુંભારોના દીવડા કેમ ગાયબ થઈ ગયા?

10 November, 2023 05:51 PM IST  |  Mumbai | Prakash Bambhroliya

એક સમયે મુંબઈ અને આસપાસમાં માટીના દીવડા અને માટલીઓ બનતી હતી જે હવે છેક રાજકોટથી મગાવવાં પડે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રકાશના પર્વ દિવાળીમાં દીવડાનું અનેરું મહત્ત્વ છે. આ તહેવારના ચાર-પાંચ દિવસ દરેક હિન્દુના ઘરના આંગણામાં દીપક પ્રગટાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે મુંબઈ અને આસપાસના કુંભારો માટીના દીપક અને માટલી બનાવતા હતા એટલે મુંબઈમાં માટીની આ વસ્તુ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ જતી. જોકે છેલ્લા કેટલાક સમયથી મુંબઈ કે આસપાસમાં કુંભારો દીવડા કે માટલા બનાવતા નથી એટલે તેમણે અમદાવાદથી કે રાજકોટથી લાવવા પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતથી દીવડા લાવવામાં આવી રહ્યા છે એટલે એના માટે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

ગઈ કાલે અગિયારસથી દિવાળી શરૂ થઈ ગઈ છે અને આવતી કાલે ધનતેરસ છે. આથી અત્યારે માર્કેટમાં ચારે બાજુએ દુકાનોમાં દીવડા દેખાઈ રહ્યા છે. દિવાળીના સમયમાં દીવડા પ્રગટાવવાનું મહત્ત્વ છે એટલે મોટા પ્રમાણમાં મુંબઈગરાઓ દીવડા ખરીદે છે. જોકે આ વખતે દીવડા માટે વધુ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.

ધારાવીના કુંભારવાડા અને કલ્યાણમાં દીવડા અને માટીની બીજી વસ્તુઓ બનાવવા માટે એક સમયે ભઠ્ઠીઓ હતી, જે હવે નામશેષ થઈ ગઈ છે. આથી અત્યારે માર્કેટમાં જે દીવડા સહિતની વસ્તુઓ જોવા મળે છે એ ગુજરાતથી લાવવામાં આવી રહી છે.

મુંબઈ અને આસપાસની ભઠ્ઠીઓ કેમ બંધ થઈ ગઈ છે એ વિશે  ધારાવીમાં બે પેઢીથી માટીનાં વાસણોથી લઈને તમામ સામગ્રી બનાવતા ગોવિંદ ચિત્રોડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીવડા અને માટલાં કાળી માટીમાંથી તૈયાર કરીને ભઠ્ઠીમાં એ પકવવામાં આવે છે. આ કામ માટે હવે મુંબઈમાં જગ્યા નથી એટલે મોટા ભાગની ભઠ્ઠીઓ બંધ ગઈ છે. બીજું, મુંબઈ કે મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં આ વસ્તુઓ પ્રમાણમાં ઘણા ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે એટલે અહીંના કુંભારો પાસે જગ્યાની સગવડ હોવા છતાં તેઓ મુંબઈમાં દીવડા બનાવવાને બદલે ગુજરાતથી ઇમ્પોર્ટ કરે છે. અહીં માટીની વસ્તુ બનાવવા માટેની જગ્યાનું ભાડું, ગોડાઉનનું ભાડું, માણસોનો પગાર વધુ છે. એની સામે ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં ખૂબ જ ઓછો ખર્ચ આવે છે.’

ગોવિંદ ચિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈ અને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં કુંભારોને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એટલે ધીમે-ધીમે મોટું કામકાજ કરતા કુંભારોએ ગુજરાતમાં કામકાજ શરૂ કર્યું છે. માટીના સાદા દીવડા ગ્રામીણ વિસ્તાર સિવાય કોઈ ખરીદતું નથી. મુંબઈમાં ફેન્સી દીવડા અને સંબંધિત વસ્તુઓની ડિમાન્ડ છે, જે અહીં બનાવવા માટે ખૂબ મોટી જગ્યા જોઈએ. ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. એટલે મુંબઈમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી વેચવામાં આવતા મોટા ભાગના દીવડા ગુજરાતમાંથી લાવવામાં આવે છે.’

diwali mumbai mumbai news prakash bambhrolia