10 November, 2023 02:12 PM IST | Mumbai | Prakash Bambhroliya
શાંતિનગરની માર્કેટમાં ગેરકાયદે ફેરિયાઓના વિરોધમાં લાઇટ-દુકાન બંધ કરીને રસ્તામાં બેસેલા વેપારીઓ
મીરા રોડના શાંતિનગરના સેક્ટર ૧, ૨, ૩ અને ૪માં આવેલી માર્કેટમાં બહારથી આવતા અસંખ્ય ગેરકાયદે ફેરિયાઓ દાદાગીરી કરતા હોવાની સાથે પંદરેક દિવસ પહેલાં એક દુકાનમાં ઘૂસીને વેપારીની મારપીટ કરવાની ઘટના બની હતી. આથી વેપારીઓએ દુકાનો બંધ કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આથી પ્રશાસન અને પોલીસે ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરતાં અહીં એક પણ ફેરિયાને બેસવા નહોતો દેવાયો. જોકે ગઈ કાલે અચાનક ૩૦૦ જેટલા ફેરિયાઓ માર્કેટમાં આવી ગયા હતા અને રસ્તામાં ધંધો શરૂ કરી દીધો હતો.
આ જોઈને વેપારીઓએ દિવાળીનો ધંધો પડતો મૂકીને દુકાનો બંધ કરી દીધી હતી અને ફરીથી વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું. પંદરેક દિવસ સુધી ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તો અચાનક ફેરિયાઓ ક્યાંથી આવી ગયા? કોર્ટના કોઈ ઑર્ડરના નામે સુધરાઈએ દિવાળીના તહેવારમાં ૧૨૦ ફેરિયાઓને ધંધો કરવાની મંજૂરી આપી હોવાનું ફેરિયાઓના યુનિયને જાહેર કર્યું હતું. જોકે કોર્ટનો કયો ઑર્ડર અને કયા રસ્તામાં ધંધો કરવાની પરવાનગી આપી છે એની માહિતી તેમની પાસે નહોતી એટલે વેપારીઓએ ધડાધડ દુકાનો બંધ કરીને માર્કેટના જંક્શનમાં વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આથી દિવાળીના સમયમાં શાંતિનગરની માર્કેટમાં અંધારું છવાઈ ગયું હતું.
શાંતિનગરના વેપારી મુકેશ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં લાંબા સમયથી બહારથી આવતા ફેરિયાઓની દાદાગીરી વધી ગઈ છે એટલે અમે તેમની સામે લડત ચલાવી રહ્યા છીએ. સ્થાનિક સુધરાઈ પ્રશાસન અને પોલીસની મહેરબાનીથી આ ફેરિયાઓ અહીં રસ્તામાં બેસીને ધંધો કરે છે એને લીધે સ્થાનિક રહેવાસીઓને અને ગ્રાહકોને હેરાનગતિ થાય છે. કોર્ટનો ઑર્ડર છે એટલે સુધરાઈએ દિવાળીના પાંચ દિવસ સુધી શાંતિનગરની માર્કેટમાં ૧૨૦ ફેરિયાઓને બેસવાની પરવાનગી આપી હોવાનો દાવો કરીને ૩૦૦થી વધુ ફેરિયાઓ ગઈ કાલે આવી પહોંચ્યા હતા. અમે તેમની પાસેથી કોર્ટનો ઑર્ડર માગ્યો ત્યારે તેમની પાસે આવો કોઈ ઑર્ડર ન હોવાનું જણાયું હતું. આ સિવાય સુધરાઈના કમિશનર સંજય કાટકરે પણ આવી મંજૂરી આપી હોવાનો તેમણે દાવો કર્યો હતો. જોકે તેઓ ખોટું બોલીને ધંધો કરવા માંડ્યા હોવાથી અમે દુકાનોની સાથે લાઇટો બંધ કરીને વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું છે. જ્યાં સુધી સુધરાઈ આ બાબતે ખુલાસો નહીં કરે ત્યાં સુધી અમે ચાલુ દિવાળીમાં ધંધાનું નુકસાન કરીને પણ દુકાનો બંધ રાખીશું.’
શાંતિનગરના વેપારી હસ્તીમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે ફેરિયાઓના યુનિયનના નેતાઓએ સુધરાઈના કમિશનર સંજય કાટકર સાથે બેઠક કરી હતી અને જો દિવાળીના સમયમાં શાંતિનગરમાં ફેરિયાઓને બેસવા નહીં દેવાય તો તેઓ આત્મદહન કરશે એવી ચીમકી આપી હતી. આથી કમિશનરે પાંચ દિવસ ૧૨૦ ફેરિયાઓને બેસવાની પરવાનગી આપી હોવાનું કહેવાય છે. જોકે આજે અહીં અચાનક ૩૦૦થી વધુ ફેરિયાઓ આવી ગયા હતા અને તેમણે ધંધો શરૂ કરી દીધો હતો. વેપારીઓ પણ આ મામલે જરૂર પડશે તો આત્મહદન કરશે. અમે આવો મેસેજ સુધરાઈને મોકલ્યો હતો અને વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું.’
આ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો. આથી તેમણે શાંતિનગરની માર્કેટમાં ૧૨૦ ફેરિયાઓને બેસવા માટે મંજૂરી આપી છે કે કેમ એ જાણી નહોતું શકાયું.