બર્થ અને ડેથ સર્ટિફિકેટ કેમ નથી મળી રહ્યાં?

11 July, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યંત્રણાને ડિજિટલ કરવાની પ્રક્રિયાને કારણે મુંબઈના લોકોને થઈ રહી છે પરેશાની

પ્રતીકાત્મક તસવીર

બર્થ અને ડેથ-સર્ટિફિકેટ આપવાની યંત્રણાને રાષ્ટ્રવ્યાપી સ્તરે ડિજિટલ કરવાની પ્રક્રિયાને કારણે ગયા મહિને હજારો મુંબઈવાસીઓને પરેશાની થઈ હતી. આ નવી રજિસ્ટ્રેશન પદ્ધતિમાં હાલમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ ઊભી થતાં ઘણા લોકોને આવાં મહત્ત્વનાં સર્ટિફિકેટો મેળવવામાં ઘણી રાહ જોવી પડે છે. સુધરાઈના અધિકારીઓને પણ ખબર નથી કે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે થતી આ ટેક્નિકલ ખામીઓ ક્યારે દૂર થશે.

મુંબઈમાં જન્મ અને મૃત્યુનાં રજિસ્ટ્રેશન વૉર્ડ લેવલે થાય છે. દર વર્ષે આશરે ૧.૪૦ લાખ બર્થ અને ૯૨,૦૦૦ ડેથ-સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગયા એક મહિનાથી આવાં સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ થઈ રહી છે.

શું થાય છે પરેશાની?

આ મુદ્દે પોતાની પરેશાની વર્ણવતાં બોરીવલીની સ્નેહલ કુલકર્ણીએ કહ્યું હતું કે ‘મારા પપ્પાનું મૃત્યુ ૪ જૂને થયું હતું. મારા ભાઈને તેના સિંગાપોરના ઘરે પાછા ફરવાનું હોવાથી તેણે તે જાય એ પહેલાં આ પ્રક્રિયા પૂરી કરવાનું વિચાર્યું હતું, પણ વૉર્ડ-ઑફિસનાં અનેક ચક્કર કાપવાં છતાં તેને સર્ટિફિકેટ મળ્યું નહોતું. શા માટે મોડું થાય છે એનું કારણ પણ આપવામાં આવ્યું નહોતું. જોકે વારંવાર વૉર્ડ-ઑફિસમાં ચક્કર માર્યા બાદ નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાણકારી મળી હતી. હવે તેઓ અમને કહે છે કે આ પ્રક્રિયામાં સમય લાગશે. જોકે અમારે તમામ કાનૂની કાર્યવાહી પૂરી કરવા માટે આ સર્ટિફિકેટ મેળવવું ખૂબ જરૂરી છે અને એથી અમે પ્રક્રિયા શરૂ કરી શક્યાં નથી.’

શું કહે છે સુધરાઈ?

વેસ્ટર્ન સબર્બ્સના એક હેલ્થ-ઑફિસરે કહ્યું હતું કે છેલ્લાં થોડાં અઠવાડિયાંથી આ સિસ્ટમમાં સમસ્યા છે અને એ હાલમાં સ્લો-મોડમાં છે. જોકે અમે સર્ટિફિકેટ આપવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ.

લોકસભામાં પસાર થયો છે કાયદો

સેન્સસ રજિસ્ટ્રારના રજિસ્ટ્રાર જનરલે બર્થ-સર્ટિફિકેટ આપવા માટે નવા પોર્ટલની શરૂઆત કરી છે. આ માટે લોકસભામાં ૨૦૨૩ની પહેલી ઑગસ્ટે ધ રજિસ્ટ્રેશન ઑફ બર્થ ઍન્ડ ડેથ્સ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૨૩ કાયદો પસાર થયો છે. આ કાયદો ભારતમાં જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરશે અને રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવશે અને પછી ડિજિટલ બર્થ-સર્ટિફિકેટ મળશે. બર્થ અને ડેથ-સર્ટિફિકેટ માટે જન્મ અને મૃત્યુના ૩૦ દિવસ બાદ અથવા એક વર્ષની અંદર અરજી કરવાની રહે છે. ગયા મહિનાથી આ પોર્ટલ મહારાષ્ટ્રમાં કાર્યરત છે.

સુધરાઈના હેલ્થ-ઑફિસર શું કહે છે?

સુધરાઈનાં એક્ઝિક્યુટિવ હેલ્થ-ઑફિસર ડૉ. દક્ષા શાહે કહ્યું હતું કે ‘હાલમાં પુઅર કનેક્ટિવિટી સાથે લૉગ-ઇન અને અન્ય ટેક્નિકલ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ સમસ્યાનું નિરાકરણ રાજ્ય અને દેશ લેવલે કરવાનું હોવાથી એનું નિરાકરણ ક્યારે આવશે એ કહી શકાય નહીં.’

ડૉક્ટરોને પણ સમસ્યા

ડૉક્ટરોએ પણ જણાવ્યું હતું કે ‘તેમને બર્થ-સર્ટિફિકેટ રજિસ્ટર કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. અમારે ફૉર્મ ફિઝિકલી ભરવું પડે છે અને પછી અપલોડ કરવાનું રહે છે. હવે સિસ્ટમ ઑનલાઇન થઈ છે અને એ ખૂબ જ સ્લો છે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબરો પર વન ટાઇમ પાસવર્ડ (OTP) મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation maharashtra news