મોદીનો માસ્ટરસ્ટ્રોક! યે લૅબગ્રોન ડાયમન્ડ ક્યા મેસેજ દેતા હૈ...

23 June, 2023 08:05 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ડાયમન્ડ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ફર્સ્ટ લેડીને લૅબગ્રોન ડાયમન્ડની ભેટ આપીને દૂરંદેશી બતાવી છે

અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને તેમનાં પત્નીને ડાયમન્ડ ભેટ આપ્યો હતો નરેન્દ્ર મોદીએ

નૅચરલ ડાયમન્ડની સરખામણીમાં લૅબગ્રોન હીરા અહીં જ બને છે અને એના પૂરેપૂરા પૈસા ભારતને જ મળે : વત્તા અમેરિકા હીરાની સૌથી મોટી માર્કેટ છે અને એનાં ફર્સ્ટ લેડી આ ડાયમન્ડ પહેરે તો મેક ઇન ઈન્ડિયાનું સુપર્બ પ્રમોશન થઈ શકે એમ છે

અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજો બાયડનનાં અમેરિકાનાં ફર્સ્ટ લેડી કહેવાતાં પત્ની જીલ બાયડનને લૅબગ્રોન ડાયમન્ડની ભેટ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીને થયેલાં ૭૫ વર્ષની ઉજવણીરૂપે હાલ ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત જીલ બાયડનને ૭.૫ કૅરેટનો ગ્રીન કલરનો લૅબગ્રોન ડાયમન્ડનો પીસ ગિફ્ટ આપ્યો છે. સુરતની જાણીતી કંપની દ્વારા તૈયાર કરાયેલા એ લૅબગ્રોન ડાયમન્ડની વડા પ્રધાને આપેલી એ ચોક્કસ ગિફ્ટને કારણે મુંબઈના હીરાબજારમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. એટલું જ નહીં, બજારમાં આખો દિવસ એની ચર્ચા ચાલી રહી હતી. વૉટ્સઍપ પર અને સોશ્યલ મીડિયામાં પણ તેમના ફોટા વાઇરલ થયા હતા. વડા પ્રધાને એક ગિફ્ટ આપીને અનેક લક્ષ્ય સાધ્યાં હોવાનું માર્કેટમાં ચર્ચાઈ રહ્યું હતું. દેશની પ્રગતિ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા તેમણે લીધેલું આ પગલું બહુ સૂચક હોવાનું હીરાબજારના વેપારીઓનું કહેવું છે.

હીરાબજારમાં લૅબગ્રોનનું કામ ધરાવતા અમિત શાહે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોદીસાહેબે બહુ જ રાઇટ ટાઇમે આ પગલું ભર્યું છે. તેમણે અમેરિકાનાં ફર્સ્ટ લેડીને લૅબગ્રોન ડાયમન્ડની ભેટ આપીને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કર્યું છે. તેમણે રાઇટ પ્લૅટફૉર્મ પર એ પ્રમોટ કરીને દૂરંદેશી દાખવી છે. વર્લ્ડ લેવલ પર આ બાબતની નોંધ લેવાશે. ૯૦ ટકા કરતાં વધુ નૅચરલ ડાયમન્ડ જે રફ હોય છે એ વિદેશથી આયાત કરવા પડે છે અને એ માટે વિદેશી હૂંડિયામણ ખર્ચાય છે. એ રફ હીરા અહીં લાવ્યા બાદ એને પૉલિશ કરીને એક્સપોર્ટ કરાય છે, જેમાં બેનિફિટ થાય છે. જોકે જે બેનિફિટ થાય છે એ માત્ર ભાવફરકનો જ હોય છે. લૅબગ્રોન ડાયમન્ડ તો અહીં જ તૈયાર થાય છે, પૉલિશ થાય છે અને જ્વેલરી બનાવીને એક્સપોર્ટ થાય છે. એથી એનું પૂરેપૂરું હૂંડિયામણ આપણને મળે છે. બીજું, અમેરિકા ડાયમન્ડનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. એ લૅબગ્રોન ડાયમન્ડ જો અમેરિકાનાં ફર્સ્ટ લેડી પહેરે તો અન્ય કોઈ પણ પહેરી શકે એવો એનો સૂચિતાર્થ થાય છે. એથી અમેરિકામાં એની વધુ ને વધુ ખપત થાય તથા વધુ ને વધુ લોકો એનો ઉપયોગ કરતા થાય તો ડેફિનેટલી ઇન્ડિયામાં એની અસર વર્તાય. નૅચરલ ડાયમન્ડ આટલાં વર્ષોથી વેચાય છે, પણ વૈશ્વિક સ્તરે એક ટકો લોકો પણ હીરા વાપરતા નથી. લૅબગ્રોનનું ભાવિ ઊજળું છે. લૅબગ્રોન ડાયમન્ડ અસ્સલ હીરા જેવા જ દેખાય છે અને ઝવેરી પણ લૅબમાં ચેક કર્યા વગર એને પારખી શકતો નથી ત્યારે એની માર્કેટ ભવિષ્યમાં ૧૨થી ૧૫ ટકા જેટલી વધવાની છે. મોદીસાહેબના આ પગલાની અસર વર્લ્ડ માર્કેટ પર થશે અને  એથી ભારતમાં રોજગારની તકો વધશે.’

હીરાબજારના અન્ય એક વેપારી પ્રદીપ ફોફાણીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરીરૂપે જીલ બાયડનને આપેલો એ લૅબગ્રોન ડાયમન્ડ સુરતમાં જ બન્યો છે. જો લૅબગ્રોન ડાયમન્ડની ખપત વધે તો એનો ફાયદો ઇન્ડિયાને થવાનો છે. વળી એ નૅચરલ ડાયમન્ડની સરખામણીએ પર્યાવરણને પણ પૂરક છે. એનાથી દેશનો વિકાસ થશે અને ઇન્ડિયાને આગળ લઈ જશે. મોદીસાહેબ ભારતના પહેલા વડા પ્રધાન છે જેમણે અમેરિકાનાં ફર્સ્ટ લેડીને લૅબગ્રોન ડાયમન્ડની ભેટ આપવાનું આ પગલું ભર્યું છે. આના કારણે ભારતમાં લોકોને રોજગાર મળશે અને કારીગરોને કામ મળશે.’ 

narendra modi united states of america joe biden mumbai mumbai news bakulesh trivedi