06 November, 2026 09:11 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
છેલ્લા થોડા વખતથી વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતાં આંદોલનો અને રસ્તા પર ઊતરીને કાયદા તથા નિયમો વિરુદ્ધ જઈને કાયદા-સુવ્યવસ્થાને નજરઅંદાજ કરીને કરવામાં આવતાં વિરોધ-પ્રદર્શનો બાબતે આક્રમક પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓને ચીમકી આપી હતી અને રસ્તા પર જ જો લડાઈ લડવાની આવશે તો એ માટે પોતે તૈયાર હોવાનું આહ્વાન કર્યું હતું. જો લડાઈ રસ્તા પર જ લડવાની વેળા આવે તો પોતે પાછળ નહીં હટે એવું દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં ‘લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ પદયાત્રા’ દરમ્યાન કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસની સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BMC)ના રાજ્ય-પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે પણ જોડાયા હતાં. સેંકડોની જનમેદનીને સંબોધતાં અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને સાણસામાં લેતાં દેવેન્દ્ર ફણડવીસે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી, તમે કહ્યું હતું કે આ લડાઈ સંસદમાં નહીં પણ રસ્તા પર થશે. તો એક વાત ધ્યાનમાં રાખો. જ્યાં સુધી બાબાસાહેબ આંબેડકરનું બંધારણ છે ત્યાં સુધી તો સંસદમાં જ લડાઈ ચાલશે. જો રસ્તા પર લડાઈ લડવાની વાત આવી તો અમે પણ કંઈ ઓછા નથી એ જ દેખાડવા માટે અમે આજે ભેગા થયા છીએ.’
તમારા એક તો અમારા હજાર, ભારતનો હુંકાર સાંભળો
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રસ્તા પર ઊતરવાનો સમય આવશે ત્યારે તમારા તરફથી એક જણ આવશે તો અમારા તરફથી ૧૦૦૦ લોકો સામે આવશે. તમારા તરફથી ૧૦૦૦ લોકો આવશે તો અમારા પક્ષથી ૧,૦૦,૦૦૦ લોકો આવશે. તમે જો લાખોની સંખ્યામાં આવશો તો અમે કરોડોની સંખ્યામં આવીશું. આ ભારતનો હુંકાર છે. આ લડાઈ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની નહીં, ભારતના બંધારણની અને એને સુરક્ષિત રાખવાની છે.’