20 December, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાગપુરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર, પ્રધાનો તથા વિધાનસભ્યોએ ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.
રાજ્યપાલે કરેલા અભિભાષણના આભાર પ્રસ્તાવ પર બોલતી વખતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના બન્ને ડેપ્યુટીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ શિફ્ટમાં 24x7 કામ કરે છે. આ વાતને સમજાવતાં તેમણે કહ્યું હતું કે અજિત પવાર સવારે વહેલા જાગી જતા હોવાથી તેઓ જલદી કામ શરૂ કરી દે છે, જ્યારે આખી રાત દરમ્યાન કામ કરતા શિંદેસાહેબની કામની પ્રણાલીથી તો બધા વાકેફ છે.
તેમણે પોતાના વિશે કહ્યું હતું કે હું બપોરના ૧૨ વાગ્યાથી મધરાત સુધી કામ કરું છું. ત્યાર બાદ રાજ્યના મુખ્ય પ્રધાને અજિત પવાર વિશે કહ્યું હતું કે ‘તમને લોકો ‘કાયમી નાયબ મુખ્ય પ્રધાન’ કહે છે, પણ મારી શુભેચ્છા તમારી સાથે છે. એક દિવસ તમે રાજ્યના મુખ્ય પ્રધાન જરૂર બનશો.’
પાંચમી ડિસમ્બરે અજિત પવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદે છઠ્ઠી વખત શપથ લીધા હતા.