મહાયુતિના ૬૮ ઉમેદવારો બિનવિરોધ જીત્યા છે એ વાતે અકળાયેલા વિપક્ષોને દેવેન્દ્ર ફડણવીસનો ટોણો

07 January, 2026 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફડણવીસે કહ્યું હતું કે જો તમારા કાર્યકાળમાં બિનહરીફ ચૂંટણી થાય છે તો લોકશાહી ખતરામાં નથી અને જો એ અમારા સમયમાં થાય છે તો લોકશાહી ખતરામાં છે.

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુળેમાં મંગળવારે એક રૅલીને સંબોધતી વખતે વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે રાજ્યમાં થનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ૬૮ સ્થળોએ મળેલી બિનવિરોધ જીત પર મહાયુતિને નિશાન બનાવવા બદલ વિરોધ પક્ષો પર કટાક્ષ કર્યો હતો અને પૂછ્યું હતું કે ‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું?’ ધુળેમાં તેમણે BJPના ૪ કૉર્પોરેટરોને બિનવિરોધ જિતાડવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. અમે સમર્થનનો હૃદયપૂર્વક સ્વીકાર કરીએ છીએ એમ તેમણે કહ્યું હતું. અત્યાર સુધી લોકસભામાં ૩૫ જેટલા સંસદસભ્યો બિનવિરોધ ચૂંટાયા છે, જેમાંથી ૩૩ કૉન્ગ્રેસના શાસન દરમ્યાન ચૂંટાયા હતા એમ તેમણે કહ્યું હતું. આ મુદ્દા પર વિપક્ષની ટીકા પર સવાલ ઉઠાવતાં ફડણવીસે કહ્યું હતું કે જો તમારા કાર્યકાળમાં બિનહરીફ ચૂંટણી થાય છે તો લોકશાહી ખતરામાં નથી અને જો એ અમારા સમયમાં થાય છે તો લોકશાહી ખતરામાં છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra political news devendra fadnavis maha yuti municipal elections